યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ એટલે શું?
નિયામક જૂથ અનુભવી અને સમજુ ખ્રિસ્તીઓથી બનેલો એક નાનો સમૂહ છે, જે આખી દુનિયાના યહોવાના સાક્ષીઓને માર્ગદર્શન આપે છે. એ કામ તેઓ બે રીતે કરે છે:
યહોવાના સાક્ષીઓને માર્ગદર્શન આપવા જે માહિતી તૈયાર કરવામાં આવે છે એની તે દેખરેખ રાખે છે. એ માહિતી સાહિત્ય, સભાઓ અને શાળાઓ દ્વારા મળે છે.—લૂક ૧૨:૪૨.
તે યહોવાના સાક્ષીઓના પ્રચારકામની ગોઠવણ કરે છે અને સંગઠનને મળતાં દાનનો કઈ રીતે ઉપયોગ કરવો એનો નિર્ણય લે છે.
નિયામક જૂથ પહેલી સદીના “પ્રેરિતો અને વડીલો”નો દાખલો અનુસરે છે, જેઓએ ખ્રિસ્તી મંડળ માટે મહત્ત્વના નિર્ણયો લીધા હતા. (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨) એ વિશ્વાસુ ભાઈઓની જેમ નિયામક જૂથના ભાઈઓ પણ સંગઠનના આગેવાનો નથી. તેઓ બાઇબલમાંથી માર્ગદર્શન શોધે છે અને સ્વીકારે છે કે યહોવા ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મંડળના શિર બનાવ્યા છે.—૧ કોરીંથીઓ ૧૧:૩; એફેસીઓ ૫:૨૩.
નિયામક જૂથના સભ્યો કોણ છે?
નિયામક જૂથના સભ્યો આ છે: કેનેથ કૂક, જુનિયર; ગેજ ફ્લિગલ; સેમ્યુલ હર્ડ; જૅફરી જેક્સન; જોડી જેડેલ; સ્ટીવન લેટ; ગેરીટ લૉશ; જેકબ રમ્ફ; માર્ક સેન્ડરસન; ડેવિડ સ્પ્લેન; અને જૅફરી વિન્ડર. તેઓ યહોવાના સાક્ષીઓના જગત મુખ્યમથકમાં સેવા આપે છે, જે અમેરિકાના ન્યૂ યૉર્ક રાજ્યના વૉરવિકમાં આવેલું છે.
નિયામક જૂથ કઈ રીતે કામ કરે છે?
નિયામક જૂથે છ સમિતિઓ બનાવી છે જે આપણાં કામનાં અલગ અલગ પાસાઓની દેખરેખ રાખે છે. નિયામક જૂથના દરેક સભ્ય એક કે વધારે સમિતિના ભાગ છે.
કૉઑર્ડિનેટર્સ સમિતિ: કાયદાકીય કામકાજની દેખરેખ રાખે છે. જ્યારે કોઈ આફત આવે, શ્રદ્ધાને લીધે સાક્ષીઓની સતાવણી થાય અથવા અચાનક કોઈ મુશ્કેલી ઊભી થાય, ત્યારે મદદ કરે છે.
કર્મચારી સમિતિ: બેથેલમાં કામ કરતા ભાઈ-બહેનોની જરૂરિયાતોની સંભાળ રાખે છે.
પ્રકાશન સમિતિ: બાઇબલ આધારિત સાહિત્યના છાપકામની અને એને અલગ અલગ જગ્યાએ મોકલવાના કામની દેખરેખ રાખે છે. ભક્તિ-સ્થળો, ભાષાંતર કેન્દ્રો અને શાખા કચેરીઓના બાંધકામની દેખરેખ રાખે છે.
સેવા સમિતિ: ‘રાજ્યની ખુશખબર’ ફેલાવવાના કામની દેખરેખ રાખે છે.—માથ્થી ૨૪:૧૪.
શિક્ષણ સમિતિ: સભાઓ, શાળાઓ તેમજ ઑડિયો અને વીડિયો કાર્યક્રમો દ્વારા જે શીખવવામાં આવે છે, એની માહિતી તૈયાર કરવાના કામની દેખરેખ રાખે છે.
લેખન સમિતિ: છાપેલાં સાહિત્ય અને વેબસાઇટ પરની માહિતી તૈયાર કરવા માર્ગદર્શન આપે છે તેમજ ભાષાંતર કામની દેખરેખ રાખે છે.
એ ઉપરાંત, નિયામક જૂથના સભ્યો દર અઠવાડિયે ભેગા મળે છે, જેથી ચર્ચા કરી શકે કે સંગઠનને શાની જરૂર છે. એ સભામાં તેઓ બાઇબલમાંથી માર્ગદર્શન શોધે છે અને પછી પવિત્ર શક્તિની મદદથી સૌથી સારો નિર્ણય લે છે.—પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૫.
નિયામક જૂથના મદદનીશો કોણ છે?
તેઓ ભરોસાપાત્ર ઈશ્વરભક્તો છે, જેઓ નિયામક જૂથને મદદ કરે છે. (૧ કોરીંથીઓ ૪:૨) તેઓ પોતાના અનુભવથી નિયામક જૂથની સમિતિઓને મદદ કરે છે. દરેક ભાઈને એક સમિતિમાં કામ સોંપવામાં આવે છે. તેઓ દર અઠવાડિયે થતી સમિતિની સભામાં ભાગ લે છે. તેઓ નિર્ણયો નથી લેતા પણ કીમતી સલાહ આપે છે. તેઓ ધ્યાન રાખે છે કે સમિતિઓ જે નિર્ણયો લે છે, એને પાળવામાં આવે. તેઓ એ પણ ધ્યાન રાખે છે કે એ નિર્ણયોનું કેવું પરિણામ આવે છે. અમુક વાર નિયામક જૂથ કદાચ તેઓને આખી દુનિયાનાં ભાઈ-બહેનોની મુલાકાત લેવા મોકલે અથવા વાર્ષિક સભા કે ગિલયડ ગ્રૅજ્યુએશન જેવા પ્રસંગોએ પ્રવચન આપવાનું કહે.
સમિતિ |
નામ |
---|---|
કૉઑર્ડિનેટર્સ સમિતિ |
|
કર્મચારી સમિતિ |
|
પ્રકાશન સમિતિ |
|
સેવા સમિતિ |
|
શિક્ષણ સમિતિ |
|
લેખન સમિતિ |
|