ભાગ ૫
ઇબ્રાહિમ અને તેમના કુટુંબને આશીર્વાદ મળે છે
ઇબ્રાહિમનું કુટુંબ ફૂલે-ફાલે છે. ઇજિપ્તમાં યૂસફનું ઈશ્વર રક્ષણ કરે છે
યહોવા જાણતા હતા કે એક સંતાને ઘણા દુ:ખો સહીને મરવું પડશે. તેમણે એના વિષે ઉત્પત્તિ ૩:૧૫માં જણાવ્યું હતું. એ સંતાનના મરણથી યહોવા મોટી કિંમત ચૂકવે છે. એ સમજવા બાઇબલનો એક બનાવ વિચારો. એમાં ઈશ્વરે, ઇબ્રાહિમને તેમના દીકરા ઇસહાકનું બલિદાન આપવા કહ્યું.
ઇબ્રાહિમને ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા હોવાથી એમ કરવા તૈયાર થયા. પણ ઇસહાક મરી જાય તો, તેમના વંશમાંથી આવનાર તારણહાર વિષે શું? ઇબ્રાહિમને ભરોસો હતો કે યહોવા જરૂર પડશે તો ઇસહાકને જીવતો કરશે. ઇબ્રાહિમ બલિદાન આપવાની અણી પર હતા ત્યારે, યહોવાના દૂતે તેમને રોક્યા. ઇબ્રાહિમે જીવથી પણ વહાલા દીકરાને પાછો ન રાખ્યો. એટલે યહોવાએ ઇબ્રાહિમને બધાં વચનો યાદ કરાવીને એ પૂરા કરવા ખાતરી આપી.
સમય જતા, ઇસહાકને બે દીકરા, એસાવ અને યાકૂબ થયા. એસાવે દિલથી યહોવાની ભક્તિ ન કરી, જ્યારે યાકૂબે કરી. યહોવાએ યાકૂબને આશીર્વાદ આપ્યા. તેમનું નામ બદલીને ઇઝરાયલ રાખ્યું. ઇઝરાયલને ૧૨ દીકરાઓ થયા. એમાંથી ૧૨ કુળો આવ્યા. દરેક દીકરા પોતાના કુળના મુખી હતા. યાકૂબનું કુટુંબ કઈ રીતે મોટી પ્રજા બની? ચાલો જોઈએ.
યાકૂબના દીકરાઓમાં એક યૂસફ હતા. યૂસફની તેના ઘણા ભાઈઓ અદેખાઈ કરતા. તેઓએ યૂસફને ગુલામ તરીકે વેચી દીધા. તેમને ઇજિપ્ત (મિસર) લઈ જવાયા. યૂસફ પર ત્યાં ઘણી મુશ્કેલીઓ આવી પડી. તોય તે હિંમત હાર્યા નહિ. તેમને ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા. ઈશ્વરના તેમના પર આશીર્વાદ હતા. ઇજિપ્તના ફારૂન કે રાજાએ યૂસફને મોટી સત્તા આપી. તેમને દેશના અનાજનો કારભાર સોંપ્યો. થોડા સમય પછી ઇજિપ્ત અને આજુબાજુના દેશોમાં દુકાળ પડ્યો. યાકૂબે પોતાના અમુક દીકરાઓને અનાજ લેવા ઇજિપ્ત મોકલ્યા. તેઓ યૂસફને મળ્યા. ભાઈઓના વર્તનમાં મોટો સુધારો જોઈને યૂસફે તેઓને માફ કર્યા. તેમણે આખા કુટુંબને ઇજિપ્ત રહેવા બોલાવ્યું. તેઓને સૌથી સારી જમીન આપી. દિવસે દિવસે યાકૂબનું કુટુંબ વધતું ગયું. આ બધું જોઈને યૂસફને ખબર પડી કે ઈશ્વરે પોતાના વચનો પૂરા કરવા આમ કર્યું હતું.
મોટી ઉંમરે યાકૂબ ઇજિપ્તમાં ગયા. તેમણે કુટુંબને ફૂલતા-ફાલતા જોયું. મરણ પથારીએ તેમણે ઈશ્વરની પ્રેરણાથી કહ્યું: ‘યહોવાએ આપેલા વચન પ્રમાણે મારા દીકરા યહૂદાના વંશમાંથી તારણહાર આવશે. તે મોટો રાજા બનશે.’ ઘણાં વર્ષો પછી યૂસફે પણ મરણ પહેલાં કહ્યું: ‘એક દિવસ ઈશ્વર આપણા કુટુંબને ઇજિપ્તમાંથી વતન લઈ જશે.’
—આ માહિતી ઉત્પત્તિ ૨૦-૫૦; અધ્યાય; હેબ્રી ૧૧:૧૭-૨૨માંથી છે.