ભાગ ૨૨
પ્રેરિતો હિંમતથી ઈસુ વિષે જણાવે છે
સતાવણી છતાં ઈસુના શિષ્યો વધતા જાય છે
તેત્રીસની સાલનો બનાવ છે. ઈસુ સ્વર્ગમાં ગયા એને દસ દિવસ થયા હતા. યહૂદી લોકો પેન્તેકોસ્તનો તહેવાર ઉજવતા હતા. આશરે ૧૨૦ શિષ્યો યરુશાલેમના એક ઘરમાં ભેગા થયા હતા. અચાનક ઘરમાં જાણે પવન ફૂંકાતો હોય એવો અવાજ સંભળાયો. પછી ચમત્કાર થયો. ઈશ્વરે પોતાની શક્તિથી શિષ્યોને ભરપૂર કર્યા. બધા શિષ્યો અલગ અલગ ભાષા બોલવા લાગ્યા!
એ ઘરની બહાર ઘણા લોકો ઊભા હતા. તેઓ દૂર દૂરના દેશોમાંથી યરુશાલેમમાં તહેવાર ઉજવવા આવ્યા હતા. શિષ્યોને સાંભળીને લોકોએ કહ્યું, ‘અરે, તેઓ તો આપણી ભાષા બોલે છે!’ પિતર તેઓને સમજાવે છે: સદીઓ પહેલાં યોએલે જે લખ્યું હતું એ સાચું પડ્યું છે. ઈશ્વરે તેમના ભક્તોને શક્તિથી ભરપૂર કર્યા છે. એટલે હવે તેઓ ચમત્કારથી અજોડ કામ કરી શકશે. (યોએલ ૨:૨૮, ૨૯) આ ચમત્કારથી એક મોટો ફેરફાર પણ જોવા મળ્યો: ઇઝરાયલી લોકો પર હવે ઈશ્વરની કૃપા રહી નથી. એ કૃપા ઈસુના શિષ્યોથી બનેલા નવા મંડળ પર છે. યહોવાની ભક્તિ કરવી હોય તેઓએ હવેથી ઈસુના માર્ગે ચાલવું પડશે.
લોકો ઈસુના શિષ્યોને સખત નફરત કરવા લાગ્યા. અમુકને જેલમાં પણ નાખ્યા. એક રાતે યહોવાના દૂતે જેલના દરવાજા ખોલીને શિષ્યોને કહ્યું: ‘જાઓ! પ્રચાર કરતા રહો.’ તેઓ સવાર પડતા જ મંદિરમાં ઈસુ વિષે બધાને જણાવવા લાગ્યા. ધર્મગુરુઓ ઊકળી ઊઠ્યા. પ્રચાર બંધ કરવાનો હુકમ કર્યો. પણ શિષ્યોએ ડર્યા વગર કહ્યું: ‘અમારે માણસો કરતાં ઈશ્વરનું વધારે માનવું જોઈએ.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮, ૨૯.
સતાવણી આગની જેમ ફેલાઈ. અમુક યહુદીઓએ સ્તેફન નામના શિષ્ય પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂક્યો. તેને પથ્થરો મારીને મારી નાખ્યો. એ જોઈને શાઉલ નામનો તાર્સસનો રહેવાસી ખુશ થયો. પછી તે બીજા શિષ્યોને ગિરફતાર કરવા દમસ્ક જવા નીકળી પડ્યો. તે હજી રસ્તામાં જ હતો એટલામાં આકાશમાંથી તેની આજુબાજુ પ્રકાશ ચમક્યો. તેને અવાજ સંભળાયો: “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?” તેજસ્વી પ્રકાશને લીધે શાઉલ અંધ થઈ ગયો, એટલે તેણે કહ્યું, “તું કોણ છે?” જવાબ આવ્યો, “હું ઈસુ છું.”—પ્રેરિતોનાં કૃત્યો ૯:૩-૫.
શાઉલને દેખતો કરવા ઈસુએ ત્રણ દિવસ પછી અનાન્યા નામના શિષ્યને મોકલ્યો. શાઉલ ખ્રિસ્તી બન્યો, બાપ્તિસ્મા લીધું. ઈસુ વિષે જોર શોરથી શીખવવા લાગ્યો. શાઉલ ત્યારથી પ્રેરિત પાઉલ તરીકે ઓળખાયા. મંડળમાં તે બહુ જોશીલા હતા.
એ દિવસોમાં ઈસુના શિષ્યો ફક્ત યહુદી અને સમરૂની લોકોને ઈશ્વરના રાજ્ય વિષે જણાવતા હતા. પણ ઈશ્વર ચાહતા હતા કે સર્વ લોકો તેમના વિષે જાણે. એટલે એક સ્વર્ગદૂતને કર્નેલ્યસ પાસે મોકલ્યો. તે રોમન લશ્કરનો એક અધિકારી હતો. બહુ ધાર્મિક હતો. દૂતે તેને કહ્યું, ‘પ્રેરિત પિતરને બોલાવો.’ કર્નેલ્યસે એમ જ કર્યું. પિતરની સાથે બીજા શિષ્યો પણ આવ્યા. કર્નેલ્યસ અને તેના સગાં-વહાલાંને ઈસુ વિષે પિતર શીખવવા લાગ્યા. એવામાં ઈશ્વરે એ લોકોને પોતાની શક્તિથી ભરપૂર કર્યા. પિતરના કહેવાથી તેઓએ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું. ત્યારથી લઈને સર્વ દેશ અને જાતિના લોકો માટે અમર જીવન મેળવવાની તક ખુલી. ઈસુનું મંડળ સર્વ લોકોને ઈશ્વર વિષે ખુશખબર ફેલાવવા હવે તૈયાર હતું.
—આ માહિતી પ્રેરિતોનાં કૃત્યો ૧:૧–૧૧:૨૧માંથી છે.