ઇન્ટરવ્યૂ | રેકલ હૉલ
એક યહૂદી સ્ત્રીએ કેમ પોતાની માન્યતા બદલી?
રેકલ હૉલના મમ્મી યહૂદી ઇઝરાયેલી હતાં અને તેમના પપ્પા ઑસ્ટ્રિયાથી હતા જેમણે યહૂદી ધર્મ અપનાવ્યો હતો. રેકલબહેનનાં નાના-નાની ઝાયનીસ્ટ સમૂહના શિક્ષણ પ્રમાણે ચાલતાં હતાં. ૧૯૪૮માં ઇઝરાયેલ આઝાદ થયું ત્યારે તેઓ એ રાજ્યમાં આવીને વસ્યાં. ચાલો એ બહેન પાસેથી સાંભળીએ કે તેમણે કેમ પોતાની માન્યતા બદલી.
તમારા વિશે કંઈ જણાવો.
મારો જન્મ ૧૯૭૯માં અમેરિકામાં થયો હતો. હું ત્રણ વર્ષની હતી ત્યારે મારા મમ્મી-પપ્પાએ છૂટાછેડા લઈ લીધા. મમ્મીએ મારો ઉછેર યહૂદી માન્યતાઓ પ્રમાણે કર્યો હતો. તેમણે મને યહૂદી સ્કૂલમાં (યશીવાસમાં) મૂકી હતી. હું સાત વર્ષની હતી ત્યારે અમે એક વર્ષ માટે ઇઝરાયેલ જતા રહ્યા. મમ્મી જ્યાં કામ કરતાં હતાં, ત્યાં એક સ્કૂલ હતી. હું ત્યાં જ ભણતી હતી. પછી હું અને મમ્મી મેક્સિકો જતાં રહ્યાં.
હું જ્યાં રહેતી હતી, ત્યાં યહૂદીઓ માટે કોઈ ભક્તિસ્થળ ન હતું. તોપણ હું બધાં યહૂદી રીતરિવાજો પાળતી. હું સાબ્બાથના દિવસે મીણબત્તી સળગાવતી, યહૂદી શાસ્ત્ર (તોરાહ) વાંચતી અને પ્રાર્થના પુસ્તકની (સિડૂરની) મદદથી પ્રાર્થના કરતી. હું સ્કૂલમાં હતી ત્યારે બધાને કહેતી ફરતી કે મારો ધર્મ જ સાચો ધર્મ છે. મેં બાઇબલનો નવો કરાર ક્યારેય વાંચ્યો ન હતો જેમાં ઈસુ ખ્રિસ્તના સેવાકાર્ય અને શિક્ષણ વિશે જણાવ્યું છે. મારી મમ્મીએ કહ્યું કે ભૂલેચૂકે પણ નવો કરાર વાંચતી નહિ. તેમને ડર હતો કે જો હું એ વાંચીશ, તો એનું શિક્ષણ મને મારા ધર્મથી દૂર લઈ જશે.
તમે કેમ નવો કરાર વાંચવાનો નિર્ણય લીધો?
હું ૧૭ વર્ષની થઈ ત્યારે ભણતર પૂરું કરવા અમેરિકા પાછી ગઈ. ત્યાં હું એક છોકરાને મળી, જે ખ્રિસ્તી હતો. તેણે મને કહ્યું કે જો હું ઈસુને ઓળખતી ન હોઉં, તો મારું જીવન અધૂરું છે.
મેં કહ્યું: “જેઓ ઈસુમાં માને છે, તેઓ ઈશ્વરના માર્ગથી ભટકી ગયા છે.”
તેણે પૂછ્યું: “શું તેં ક્યારેય નવો કરાર વાંચ્યો છે?”
મેં જવાબ આપ્યો: “ના.”
તેણે કહ્યું: “તો પછી કશું જાણ્યા-કર્યા વગર તું કઈ રીતે એવું કહી શકે? એ તો મૂર્ખતા ના કહેવાય?”
તેની વાત મને એકદમ સાચી લાગી. કેમ કે હું પણ એવું માનતી હતી કે કોઈ વાત તપાસ કર્યા વગર એ વિશે પોતાના વિચારો ન જણાવવા જોઈએ. એટલે હું તેનું બાઇબલ ઘરે લઈ ગઈ અને એનો નવો કરાર વાંચવા લાગી.
તમે જે વાંચ્યું એની તમારા પર કેવી અસર પડી?
જ્યારે મને જાણવા મળ્યું કે નવા કરારના લેખકો યહૂદી છે, ત્યારે હું છક થઈ ગઈ. હું જેટલું વાંચતી ગઈ તેટલું જાણી શકી કે ઈસુ દયાળુ અને નમ્ર યહૂદી હતા. તે લોકોનો ફાયદો ન ઉઠાવતા પણ તેઓની મદદ કરતા. હું લાઇબ્રેરી ગઈ અને ઈસુ વિશે વધારે પુસ્તકો લઈ આવી. તોપણ મને ભરોસો ન બેઠો કે ઈસુ જ મસીહ છે. અમુક પુસ્તકોમાં તો લખ્યું હતું કે તે ઈશ્વર છે. એ વાત તો મારા ગળે જ ન ઊતરી. હું વિચારતી કે જો ઈસુ જ ઈશ્વર હોય, તો તે કોને પ્રાર્થના કરતા? પોતાને? એ ઉપરાંત ઈસુનું મરણ થયું હતું પણ ઈશ્વર વિશે બાઇબલમાં લખ્યું છે કે, ‘તે કદી મરતા નથી.’ *
એ સવાલોના જવાબ તમને ક્યાંથી મળ્યા?
સત્ય હંમેશાં સહેલું હોય છે અને એનાથી ક્યારેય કોઈના મનમાં ગૂંચવણ ઊભી થતી નથી. મને એ જ સત્ય શોધવું હતું. એટલે મેં દિલથી અને રડી રડીને ઈશ્વરને પોકાર કર્યો. પહેલી વાર મેં સિડૂરની મદદ વગર પ્રાર્થના કરી. મારી પ્રાર્થના પતી કે તરત જ કોઈએ મારો દરવાજો ખખડાવ્યો. બે યહોવાના સાક્ષીઓ મારા દરવાજે ઊભા હતા. તેઓએ મને એક મોટી પુસ્તિકા આપી: દેવ આપણી પાસે શું માંગે છે? એ પુસ્તિકાની મદદથી અને તેઓ સાથે કરેલી ચર્ચાથી મને ભરોસો થયો કે તેઓની માન્યતા બાઇબલ આધારિત છે. જેમ કે, સાક્ષીઓ માનતા હતા કે ઈસુ ત્રૈક્યનો ભાગ નથી પણ “ઈશ્વરના દીકરા છે” * અને “ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆત છે.” *
થોડા સમય પછી હું મેક્સિકો પાછી ગઈ. ત્યાં જઈને પણ મેં સાક્ષીઓ સાથે મસીહ વિશેની ભવિષ્યવાણીઓ શીખવાનું ચાલુ રાખ્યું. મને એ જાણીને નવાઈ લાગી કે તેમના વિશે કેટલી બધી ભવિષ્યવાણીઓ છે! છતાં મારા મનમાં અમુક શંકા હતી. મને થતું, ‘શું આ બધી ભવિષ્યવાણીઓ ઈસુમાં જ પૂરી થાય છે?’ કે પછી ‘શું ઈસુ એનું નાટક કરતા હતા?’
કઈ વાતે મારા વિચારો બદલ્યા?
સાક્ષીઓએ મને બીજી ઘણી ભવિષ્યવાણીઓ બતાવી. એનાથી મને ખાતરી થઈ કે કોઈ પણ વ્યક્તિ એ ભવિષ્યવાણીઓને પોતાની રીતે પૂરી ન કરી શકે અને મસીહ હોવાનો ઢોંગ ન કરી શકે. દાખલા તરીકે, ૭૦૦ કરતા વધારે વર્ષો પહેલાં મીખાહ પ્રબોધકે કહ્યું હતું કે મસીહનો જન્મ યહૂદિયાના બેથલેહેમમાં થશે. * પોતાનો જન્મ ક્યાં થશે, એ કોણ નક્કી કરી શકે છે? યશાયા પ્રબોધકે લખ્યું હતું કે મસીહને ગુનેગારની જેમ મારી નાખવામાં આવશે, પણ ધનવાનો સાથે દફનાવવામાં આવશે. * આ બધી જ ભવિષ્યવાણીઓ ઈસુમાં પૂરી થઈ.
છેલ્લે મને ઈસુની વંશાવળીથી ખાતરી થઈ કે ઈસુ જ મસીહ છે. બાઇબલમાં લખ્યું છે કે રાજા દાઉદના વંશમાંથી મસીહ આવશે. * એ જમાનામાં યહૂદીઓ વંશાવળીના અહેવાલો રાખતા હતા. એટલે જો ઈસુ દાઉદના વંશજ ન હોત, તો તેઓએ એ વાતનો ઢંઢેરો પીટી નાખ્યો હોત. પણ તેઓ એવું ન કરી શક્યા કારણ કે ઈસુ દાઉદના વંશજ છે, એ વાતનો ઠોસ પુરાવો હતો. લોકોએ પણ તેમને ‘દાઉદના દીકરા’ કહ્યા. *
ઈસુના મરણના ૩૭ વર્ષ પછી ઈસવીસન ૭૦માં રોમન સૈન્યે યરૂશાલેમનો નાશ કર્યો. એ સમયે યહૂદી વંશાવળીના અહેવાલો ખોવાઈ કે નાશ થઈ ગયા હતા. લોકો મસીહને ઓળખી શકે એ માટે જરૂરી હતું કે મસીહ ઈસવીસન ૭૦ની પહેલાં આવે.
એ જાણીને તમને કેવું લાગ્યું?
પુનર્નિયમ ૧૮:૧૮, ૧૯માં લખ્યું છે કે ઈશ્વર મૂસા જેવા એક પ્રબોધક ઇઝરાયેલમાં ઊભા કરશે. ઈશ્વરે કહ્યું હતું કે, ‘એ પ્રબોધક મારા નામે સંદેશો જણાવશે અને જો કોઈ તેનું ન સાંભળે, તો હું તેની પાસેથી જવાબ માંગીશ.’ આખા બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી મને ખાતરી થઈ કે નાઝરેથના ઈસુ જ એ પ્રબોધક હતા.
^ યશાયા ૯:૬, ૭; લૂક ૧:૩૦-૩૨. માથ્થી અધ્યાય ૧માં ઈસુના પિતાની વંશાવળી છે. લૂક અધ્યાય ૩માં ઈસુના માતાની વંશાવળી છે.