નિર્ગમન ૨૩:૧-૩૩
૨૩ “તમે અફવા ન ફેલાવો.+ દુષ્ટ માણસ સાથે હાથ મિલાવીને ખોટી સાક્ષી ન પૂરો.+
૨ બહુમતીથી દોરવાઈને ખોટું કામ ન કરો. સાક્ષી આપો ત્યારે, બહુમતીને ખુશ કરવા ન્યાય ઊંધો ન વાળો.
૩ ગરીબનો ન્યાય કરો ત્યારે પક્ષપાત ન કરો.+
૪ “જો તમને તમારા દુશ્મનનો ખોવાયેલો બળદ કે ગધેડો ભટકતો જોવા મળે, તો એને એના માલિક પાસે પાછો લઈ જાઓ.+
૫ જો તમે જુઓ કે તમને ધિક્કારતા માણસનો ગધેડો ભારને લીધે પડી ગયો છે, તો નજર ફેરવીને ચાલ્યા ન જાઓ. ગધેડા પરથી ભાર હટાવવા એ માણસને મદદ કરો.+
૬ “તમે ગરીબ માણસના મુકદ્દમામાં ન્યાય ઊંધો ન વાળો.+
૭ “તમે ખોટા આરોપ મૂકવાથી દૂર રહો. નિર્દોષ અને સાચા માણસને મારી ન નાખો, કેમ કે એવું દુષ્ટ કામ કરનારને હું કદી નિર્દોષ નહિ ઠરાવું.+
૮ “તમે લાંચ ન લો, કેમ કે લાંચ ન્યાય કરનારને આંધળો બનાવી દે છે અને નેક માણસને નિર્ણય બદલવા લલચાવે છે.+
૯ “તમે પરદેશીઓ પર જુલમ ન કરો. પરદેશી હોવાની લાગણી* તમે સારી રીતે જાણો છો, કેમ કે તમે પણ ઇજિપ્તમાં એક વખતે પરદેશી હતા.+
૧૦ “તમે છ વર્ષ તમારાં ખેતરમાં વાવણી અને કાપણી કરો.+
૧૧ પણ સાતમા વર્ષે એને ન ખેડો, એને પડતર રહેવા દો. એ દરમિયાન એમાં જે કંઈ ઊગે એ ગરીબો ખાશે અને બાકીનું વધેલું જાનવરો ખાશે. તમારી દ્રાક્ષાવાડી અને જૈતૂનવાડી માટે પણ એવું જ કરો.
૧૨ “છ દિવસ તમે કામ કરો, પણ સાતમા દિવસે તમારે કોઈ કામ કરવું નહિ. આમ તમારા બળદ અને ગધેડાને આરામ મળશે તેમજ તમારા દાસો* અને પરદેશીઓને તાજગી મળશે.+
૧૩ “મેં તમને જે જે આજ્ઞાઓ આપી, એ બધી ધ્યાનથી પાળો.+ તમે બીજા દેવોને નામે પ્રાર્થના ન કરો. તેઓનાં નામ પણ તમારા હોઠે* ન લાવો.+
૧૪ “તમે વર્ષમાં ત્રણ વખત મારા માટે તહેવાર ઊજવો.+
૧૫ તમે બેખમીર રોટલીનો તહેવાર ઊજવો.+ સાત દિવસ તમે બેખમીર રોટલી ખાઓ. મેં આજ્ઞા આપી છે એ પ્રમાણે આબીબ* મહિનામાં નક્કી કરેલા સમયે તમે એમ કરો,+ કેમ કે એ દિવસે તમે ઇજિપ્તમાંથી બહાર આવ્યા હતા. મારી આગળ કોઈ ખાલી હાથે ન આવે.+
૧૬ તમારાં ખેતરની ફસલનો પહેલો પાક* ઉતારો ત્યારે, તમે કાપણીનો તહેવાર* ઊજવો.+ વર્ષના અંતે જ્યારે તમારી ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+
૧૭ તમારા બધા પુરુષો વર્ષમાં ત્રણ વખત સાચા પ્રભુ યહોવા આગળ હાજર થાય.+
૧૮ “મારા માટે બલિદાન ચઢાવો ત્યારે, તમે લોહીની સાથે કંઈ પણ ખમીરવાળું ન ચઢાવો. તહેવારોમાં તમે ચરબીનું બલિદાન ચઢાવો ત્યારે, એમાંનું કંઈ પણ સવાર સુધી રાખી ન મૂકો.
૧૯ “તમારી જમીનની પેદાશના પ્રથમ ફળનો* સૌથી ઉત્તમ ભાગ તમે તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં લાવો.+
“તમે બકરીના બચ્ચાને એની માના દૂધમાં ન બાફો.+
૨૦ “તમારી આગળ હું મારો દૂત મોકલું છું.+ તે મુસાફરી દરમિયાન તમારું રક્ષણ કરશે અને જે જગ્યા મેં તમારા માટે તૈયાર કરી છે, ત્યાં દોરી જશે.+
૨૧ તેનું ધ્યાનથી સાંભળો અને તેની આજ્ઞાઓ પાળો. તે મારા નામે તમારી પાસે આવે છે. એટલે તેની વિરુદ્ધ બંડ ન પોકારતા, કેમ કે તે એવા બંડખોર વલણને માફ નહિ કરે.+
૨૨ પણ જો તમે તેનો એકેએક શબ્દ સાંભળશો અને હું જે કહું છું એ કરશો, તો તમારા દુશ્મનોનો હું દુશ્મન બનીશ અને તમારા વિરોધીઓનો હું વિરોધ કરીશ.
૨૩ મારો દૂત તમારી આગળ ચાલશે અને તમને એ દેશમાં લઈ જશે, જ્યાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે. હું એ બધી પ્રજાઓનો નાશ કરીશ.+
૨૪ એ પ્રજાઓના દેવો સામે તમે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ. તમે એ લોકોના રીતરિવાજો અપનાવશો નહિ.+ એને બદલે, તમે તેઓની બધી મૂર્તિઓનો નાશ કરી દો અને તેઓના ભક્તિ-સ્તંભોના* ચૂરેચૂરા કરી નાખો.+
૨૫ તમે તમારા ઈશ્વર યહોવાની સેવા કરો.+ હું તમને પુષ્કળ ખોરાક-પાણી આપીને આશીર્વાદ આપીશ.+ હું તમારામાંથી બીમારીઓ દૂર કરીશ.+
૨૬ તમારા દેશમાં કોઈ સ્ત્રીને કસુવાવડ થશે નહિ અને કોઈ સ્ત્રી વાંઝણી રહેશે નહિ.+ હું તમને લાંબું જીવન આપીશ.
૨૭ “તમે ત્યાં પહોંચશો એ પહેલાં મારા ડરથી તેઓ થરથર કાંપશે.+ તમે જે લોકોનો સામનો કરશો, તેઓને હું ગૂંચવણમાં નાખી દઈશ. તમને જોઈને તમારા બધા દુશ્મનો પીઠ ફેરવીને ભાગે, એવું હું કરીશ.+
૨૮ તમે ત્યાં પહોંચશો એ પહેલાં હું હિવ્વીઓ, કનાનીઓ અને હિત્તીઓનું મનોબળ તોડી નાખીશ*+ અને તેઓને તમારી આગળથી ભગાડી મૂકીશ.+
૨૯ હું એ પ્રજાઓને એક જ વર્ષમાં કાઢી નહિ મૂકું, કેમ કે એમ કરવાથી દેશ વેરાન થઈ જશે અને એમાં એવાં જંગલી જાનવરોની સંખ્યા વધી જશે, જેનાથી તમને ખતરો થઈ શકે.+
૩૦ તમે વધીને પુષ્કળ થાઓ અને આખા દેશનો વારસો મેળવો ત્યાં સુધીમાં, હું તેઓને ધીમે ધીમે હાંકી કાઢીશ.+
૩૧ “હું તમારી સરહદ લાલ સમુદ્રથી લઈને ભૂમધ્ય સમુદ્ર* સુધી તેમજ વેરાન પ્રદેશથી લઈને યુફ્રેટિસ* નદી સુધી ઠરાવી આપીશ.+ હું ત્યાંના રહેવાસીઓને તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તમારી આગળથી તેઓને ભગાડી મૂકશો.+
૩૨ તમે તેઓ સાથે કે તેઓના દેવો સાથે કોઈ કરાર ન કરો.+
૩૩ તેઓને તમારા દેશમાં વસવા ન દો, નહિતર તેઓને લીધે તમે મારી વિરુદ્ધ પાપ કરી બેસશો. જો તમે તેઓના દેવોની ભક્તિ કરશો, તો એ તમારા માટે ફાંદો બની જશે.”+
ફૂટનોટ
^ અથવા, “પરદેશીનું જીવન.”
^ મૂળ, “તમારી દાસીના દીકરાને.”
^ મૂળ, “મોઢે.”
^ વધારે માહિતી ખ-૧૫ જુઓ.
^ મૂળ, “પ્રથમ ફળ.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.
^ અથવા કદાચ, “આતંક ફેલાવી દઈશ; ભયભીત કરી દઈશ.”
^ અથવા, “પલિસ્તીઓના સમુદ્ર.”
^ અથવા, “ફ્રાત.”