યહોશુઆ ૫:૧-૧૫
૫ ઇઝરાયેલીઓએ યર્દન નદી પાર કરી ત્યાં સુધી, યહોવાએ નદીનું પાણી સૂકવી નાખ્યું. યર્દનની પશ્ચિમ તરફના* બધા અમોરી+ રાજાઓએ અને સમુદ્ર પાસે રહેતા બધા કનાની+ રાજાઓએ એ સાંભળ્યું ત્યારે, તેઓના હાંજા ગગડી ગયા.+ ઇઝરાયેલીઓને લીધે તેઓમાં જરાય હિંમત ન રહી.+
૨ એ સમયે યહોવાએ યહોશુઆને કહ્યું: “તું ચકમકના પથ્થરની છરીઓ બનાવ અને ઇઝરાયેલના પુરુષોની સુન્નત* કર.”*+
૩ એટલે યહોશુઆએ ચકમકના પથ્થરની છરીઓ બનાવી અને ગિબ્યાથ-હારાલોથમાં*+ ઇઝરાયેલના પુરુષોની સુન્નત કરી.
૪ યહોશુઆએ તેઓની સુન્નત આ કારણે કરી: ઇજિપ્તથી નીકળેલા બધા પુરુષો, બધા જ લડવૈયા પુરુષો* ઇજિપ્ત છોડ્યા પછી વેરાન પ્રદેશની મુસાફરીમાં મરણ પામ્યા હતા.+
૫ ઇજિપ્ત છોડનારા બધા લોકોની સુન્નત થઈ હતી. ઇજિપ્ત છોડ્યા પછી જેઓ વેરાન પ્રદેશની મુસાફરીમાં જન્મ્યા હતા, તેઓની સુન્નત થઈ ન હતી.
૬ ઇઝરાયેલીઓ ૪૦ વર્ષ વેરાન પ્રદેશમાં ભટક્યા હતા.+ એ દરમિયાન આખી પ્રજા મરણ પામી, એટલે કે ઇજિપ્ત છોડનારા એ સર્વ લડવૈયા પુરુષો મરણ પામ્યા, જેઓએ યહોવાની વાત માની ન હતી.+ યહોવાએ સમ ખાધા હતા કે તેઓને દૂધ-મધની રેલમછેલવાળો એ દેશ+ ક્યારેય જોવા નહિ દે,+ જે આપવા વિશે યહોવાએ તેઓના બાપદાદાઓને વચન આપ્યું હતું.+
૭ એટલે ઈશ્વરે તેઓને બદલે તેઓના દીકરાઓને ઊભા કર્યા.+ મુસાફરી વખતે તેઓની સુન્નત થઈ ન હોવાથી, યહોશુઆએ તેઓની સુન્નત કરી.
૮ આખી પ્રજાની સુન્નત કરવામાં આવી. તેઓ સાજા થયા ત્યાં સુધી છાવણીમાં જ રહ્યા.
૯ પછી યહોવાએ યહોશુઆને કહ્યું: “ઇજિપ્તે તમારી જે નિંદા કરી હતી, એ આજે મેં દૂર કરી છે.”* એટલે આજ સુધી એ જગ્યા ગિલ્ગાલ* નામે ઓળખાય છે.+
૧૦ ઇઝરાયેલીઓ ગિલ્ગાલમાં નાખેલી છાવણીમાં જ રહ્યા. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં મહિનાના ૧૪મા દિવસની સાંજે પાસ્ખાનો* તહેવાર ઊજવ્યો.+
૧૧ પાસ્ખા પછીના દિવસથી તેઓએ દેશની ઊપજ ખાવાનું શરૂ કર્યું. એ દિવસે તેઓએ બેખમીર* રોટલી+ અને પોંક ખાધાં.
૧૨ તેઓએ દેશની ઊપજ ખાવાનું શરૂ કર્યું, એ દિવસથી માન્ના* મળવાનું બંધ થયું. ઇઝરાયેલીઓને ત્યાર પછી ક્યારેય માન્ના મળ્યું નહિ.+ એ વર્ષથી તેઓએ કનાન દેશની ઊપજ ખાવાનું શરૂ કર્યું.+
૧૩ એકવાર યહોશુઆ યરીખો પાસે હતો ત્યારે, તેણે નજર ઉઠાવીને જોયું તો તલવાર તાણીને+ ઊભેલો એક માણસ દેખાયો.+ યહોશુઆએ તેની પાસે જઈને પૂછ્યું: “તું અમારી તરફ છે કે દુશ્મનો તરફ?”
૧૪ એ માણસે કહ્યું: “તું વિચારે છે એવું નથી. હું તો યહોવાના સૈન્યના આગેવાન તરીકે આવ્યો છું.”+ એ સાંભળીને યહોશુઆએ તેની આગળ ભૂમિ સુધી માથું નમાવ્યું અને નમન કરતા પૂછ્યું: “બોલો, તમારા સેવકને શું કહેવા માંગો છો?”
૧૫ યહોવાના સૈન્યના આગેવાને યહોશુઆને જવાબ આપ્યો: “તારા પગમાંથી ચંપલ કાઢ, કેમ કે તું જે જગ્યાએ ઊભો છે એ પવિત્ર છે.” યહોશુઆએ તરત જ એમ કર્યું.+
ફૂટનોટ
^ મૂળ, “સમુદ્ર તરફના.”
^ મૂળ, “ફરીથી, બીજી વાર સુન્નત કર.”
^ અર્થ, “સુન્નત-ટેકરી.”
^ અથવા, “સૈન્યમાં ભરતી થવાની ઉંમરના પુરુષો.”
^ મૂળ, “મેં ગબડાવી દીધી છે.”
^ અર્થ, “ગબડાવવું; દૂર ગબડાવી દેવું.”
^ અથવા, “ખમીર વગરની.”