યોહાન ૬:૧-૭૧
૬ એ પછી ઈસુ ગાલીલ સરોવર,* એટલે કે તિબેરિયાસની પાર જવા નીકળી ગયા.+
૨ બીમાર લોકોને સાજા કરીને ઈસુ જે ચમત્કારો કરતા હતા,+ એ જોઈને એક મોટું ટોળું તેમની પાછળ પાછળ ગયું.+
૩ ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
૪ યહૂદીઓનો પાસ્ખાનો તહેવાર+ નજીક હતો.
૫ ઈસુએ નજર ઉઠાવીને જોયું તો મોટું ટોળું તેમની પાસે આવી રહ્યું હતું. તેમણે ફિલિપને પૂછ્યું: “આ લોકોને જમાડવા આપણે ક્યાંથી રોટલી વેચાતી લઈશું?”+
૬ ઈસુ તેની પરખ કરવા આમ કહેતા હતા. તેમને ખબર હતી કે પોતે શું કરવાના છે.
૭ ફિલિપે તેમને જવાબ આપ્યો: “બસો દીનારની* રોટલીઓ લાવીએ તોપણ પૂરી નહિ થાય. તેઓ બધાને એમાંથી માંડ થોડું મળશે.”
૮ તેમનો એક શિષ્ય આંદ્રિયા ત્યાં હતો. તે સિમોન પિતરનો ભાઈ હતો. આંદ્રિયાએ ઈસુને કહ્યું:
૯ “અહીં એક નાનો છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલી છે. પણ એમાંથી આટલા બધાને કઈ રીતે પૂરું થઈ રહે?”+
૧૦ ઈસુએ કહ્યું: “લોકોને બેસી જવા કહો.” એ જગ્યાએ ઘણું ઘાસ હતું અને લોકો નીચે બેસી ગયા. તેઓમાં લગભગ ૫,૦૦૦ પુરુષો હતા.+
૧૧ ઈસુએ રોટલી લઈને ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોમાં વહેંચી દીધી. એ જ રીતે, તેમણે નાની માછલીઓ પણ વહેંચી અને લોકોએ પેટ ભરીને ખાધું.
૧૨ બધાએ ધરાઈને ખાઈ લીધા પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “વધેલા ટુકડા ભેગા કરો, જેથી જરા પણ બગાડ ન થાય.”
૧૩ લોકોએ જવની પાંચ રોટલીમાંથી ખાધા પછી જે ટુકડા વધ્યા હતા એ શિષ્યોએ ભેગા કર્યા. એનાથી ૧૨ ટોપલીઓ ભરાઈ ગઈ.
૧૪ તેમણે કરેલો ચમત્કાર જોઈને લોકો કહેવા લાગ્યા: “આ ખરેખર એ જ પ્રબોધક છે, જે દુનિયામાં આવવાના હતા.”+
૧૫ ઈસુ સમજી ગયા કે લોકો આવીને તેમને બળજબરીથી રાજા બનાવવા માંગે છે. એટલે તે ફરીથી પહાડ પર એકલા ચાલ્યા ગયા.+
૧૬ સાંજ ઢળી ત્યારે તેમના શિષ્યો સરોવર કિનારે ગયા.+
૧૭ તેઓ હોડીમાં બેસીને સામે પાર કાપરનાહુમ જવા નીકળ્યા. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું અને ઈસુ હજુ તેઓ પાસે આવ્યા ન હતા.+
૧૮ સખત પવન ફૂંકાતો હોવાથી સરોવરમાં મોજાં ઊછળતાં હતાં.+
૧૯ તેઓ હલેસાં મારતાં મારતાં લગભગ પાંચ છ કિલોમીટર* પહોંચ્યા. ત્યાં તેઓએ ઈસુને સરોવરના પાણી પર ચાલીને હોડી પાસે આવતા જોયા અને તેઓ ગભરાઈ ગયા.
૨૦ ઈસુએ તેઓને કહ્યું: “ડરો નહિ, એ તો હું છું!”+
૨૧ તેઓએ ખુશીથી તેમને હોડીમાં લઈ લીધા. તેઓ જે કિનારે જવા ચાહતા હતા, ત્યાં હોડી જલદી જ આવી પહોંચી.+
૨૨ બીજા દિવસે લોકોનું જે ટોળું સરોવરને પેલે પાર રોકાયું હતું, એ ટોળાએ જોયું કે ત્યાં કોઈ હોડી ન હતી. ત્યાં પહેલાં એક નાની હોડી હતી, પણ ઈસુ પોતાના શિષ્યો સાથે એમાં બેસીને ગયા ન હતા, કેમ કે તેમના શિષ્યો પોતાની રીતે ત્યાંથી નીકળી ગયા હતા.
૨૩ પણ જ્યાં ઈસુએ પ્રાર્થના કરીને આભાર માન્યો હતો અને તેઓએ રોટલી ખાધી હતી, એ જગ્યાએ તિબેરિયાસથી હોડીઓ આવી.
૨૪ જ્યારે ટોળાએ જોયું કે ઈસુ અથવા તેમના શિષ્યો ત્યાં નથી, ત્યારે તેઓ એ હોડીઓમાં બેસી ગયા. તેઓ ઈસુને શોધવા કાપરનાહુમ આવી પહોંચ્યા.
૨૫ તેઓ ઈસુને સરોવરને પેલે પાર મળ્યા ત્યારે પૂછ્યું: “ગુરુજી,*+ તમે અહીં ક્યારે આવ્યા?”
૨૬ ઈસુએ જવાબ આપ્યો: “હું તમને સાચે જ કહું છું કે તમે ચમત્કારો જોયા એટલે નહિ, પણ રોટલી ખાઈને ધરાયા એટલે મને શોધો છો.+
૨૭ જે ખોરાક નાશ પામે છે એના માટે તમે મહેનત ન કરો. પણ જે ખોરાક નાશ પામતો નથી અને હંમેશ માટેનું જીવન આપે છે,+ એના માટે મહેનત કરો. માણસનો દીકરો એ ખોરાક તમને આપશે. તેના પર તો પિતાએ, ખુદ ઈશ્વરે પોતાની મંજૂરીની મહોર મારી છે.”+
૨૮ તેઓએ ઈસુને પૂછ્યું: “ઈશ્વરની મંજૂરી મેળવવા અમારે શું કરવું જોઈએ?”
૨૯ તેમણે કહ્યું: “ઈશ્વરની મંજૂરી મેળવવા તમે તેના પર શ્રદ્ધા મૂકો, જેને તેમણે મોકલ્યો છે.”+
૩૦ તેઓએ કહ્યું: “તમે કયો ચમત્કાર બતાવશો,+ જેથી અમે એ જોઈને તમારા પર શ્રદ્ધા મૂકીએ? તમે એવું કયું કામ કરવાના છો?
૩૧ અમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં માન્ના* ખાધું,+ જેમ શાસ્ત્રમાં લખેલું છે: ‘તેમણે તેઓને ખાવા માટે સ્વર્ગમાંથી રોટલી આપી.’”+
૩૨ ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમને સ્વર્ગમાંથી જે રોટલી મળી હતી એ મૂસાએ આપી ન હતી. પણ હવે મારા પિતા તમને સ્વર્ગમાંથી સાચી રોટલી આપે છે.
૩૩ ઈશ્વરની રોટલી એ જ છે, જે સ્વર્ગમાંથી ઊતરીને દુનિયાને જીવન આપે છે.”
૩૪ તેઓએ કહ્યું: “માલિક, અમને એ રોટલી હંમેશાં આપતા રહેજો.”
૩૫ ઈસુએ કહ્યું: “હું જીવનની રોટલી છું. જે કોઈ મારી પાસે આવે છે તેને કદી પણ ભૂખ લાગશે નહિ. જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તેને કદી પણ તરસ લાગશે નહિ.+
૩૬ પણ મેં તમને કહ્યું એમ, તમે મને જોયો છે છતાં તમે મારા પર ભરોસો કરતા નથી.+
૩૭ પિતા મને સોંપે છે એ બધા લોકો મારી પાસે આવશે. મારી પાસે આવનારને હું કદી પણ કાઢી મૂકીશ નહિ.+
૩૮ હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા+ સ્વર્ગમાંથી નીચે આવ્યો છું.+
૩૯ મને મોકલનારની ઇચ્છા છે કે તેમણે મને જે લોકો સોંપ્યા છે, તેઓમાંના એકને પણ હું ગુમાવું નહિ. પણ છેલ્લા દિવસે હું તેઓને મરણમાંથી જીવતા કરું.+
૪૦ મારા પિતાની ઇચ્છા છે કે જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળે.+ હું તેને છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.”+
૪૧ પછી યહૂદીઓ તેમના વિશે કચકચ કરવા લાગ્યા, કારણ કે તેમણે કહ્યું હતું: “સ્વર્ગમાંથી નીચે આવેલી રોટલી હું છું.”+
૪૨ તેઓ કહેવા લાગ્યા: “શું આ યૂસફનો દીકરો ઈસુ નથી, જેનાં માબાપને આપણે ઓળખીએ છીએ?+ તો પછી તે કેમ કહે છે કે ‘હું સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો છું’?”
૪૩ ઈસુએ તેઓને કહ્યું: “અંદરોઅંદર કચકચ કરવાનું બંધ કરો.
૪૪ મને મોકલનાર પિતા કોઈ માણસને મારી પાસે દોરી ન લાવે* ત્યાં સુધી, તે મારી પાસે આવી શકતો નથી.+ મારી પાસે આવનારને હું છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.+
૪૫ પ્રબોધકોનાં લખાણોમાં લખેલું છે: ‘તેઓ બધાને યહોવા* શીખવશે.’+ જેઓએ પિતાનું સાંભળ્યું છે અને જેઓ શીખ્યા છે, તેઓ દરેક મારી પાસે આવે છે.
૪૬ કોઈ માણસે પિતાને જોયા નથી.+ પણ ઈશ્વરની પાસેથી જે આવ્યો છે ફક્ત તેણે જ પિતાને જોયા છે.+
૪૭ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારા પર શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળશે.+
૪૮ “હું જીવનની રોટલી છું.+
૪૯ તમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં માન્ના ખાધું અને છતાં તેઓનું મરણ થયું.+
૫૦ પણ સ્વર્ગમાંથી નીચે આવેલી આ રોટલી જે કોઈ ખાય છે, તે મરશે નહિ.
૫૧ સ્વર્ગમાંથી નીચે આવેલી જીવનની રોટલી હું છું. જો કોઈ આ રોટલી ખાય તો તે હંમેશાં જીવશે. હકીકતમાં એ રોટલી મારું શરીર છે અને દુનિયાના લોકોને જીવન મળે માટે હું એ આપીશ.”+
૫૨ પછી યહૂદીઓ એકબીજા સાથે દલીલ કરવા લાગ્યા: “આ માણસ કઈ રીતે પોતાનું શરીર, પોતાનું માંસ આપણને ખાવા માટે આપી શકે?”
૫૩ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ નહિ ખાઓ અને તેનું લોહી નહિ પીઓ, તો તમને જીવન મળશે નહિ.*+
૫૪ જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને હંમેશ માટેનું જીવન મળશે. હું તેને છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.+
૫૫ મારું માંસ એ અસલી ખોરાક છે. મારું લોહી એ પીવાની અસલી ચીજ છે.
૫૬ જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારી સાથે એકતામાં રહે છે અને હું તેની સાથે એકતામાં રહું છું.+
૫૭ હંમેશાં જીવનાર પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને લીધે જીવું છું. એવી જ રીતે, જે મારું માંસ ખાય છે તે મારે લીધે જીવશે.+
૫૮ આ રોટલી તો સ્વર્ગમાંથી ઊતરી આવી છે. આ રોટલી એવી નથી, જે તમારા બાપદાદાઓએ ખાધી અને છતાં મરણ પામ્યા. આ રોટલી જે ખાય છે તે હંમેશાં જીવશે.”+
૫૯ આ બધું તેમણે કાપરનાહુમના સભાસ્થાનમાં* શીખવતી વખતે જણાવ્યું.
૬૦ એ વાત સાંભળીને ઈસુના ઘણા શિષ્યોએ કહ્યું: “આ વાત ગળે ઉતારવી અઘરી છે. આવું કોણ સાંભળી શકે?”
૬૧ પોતાના શિષ્યો આ વિશે કચકચ કરે છે એ જાણીને ઈસુએ તેઓને કહ્યું: “શું તમે એનાથી ઠોકર ખાઓ છો?
૬૨ તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો હતો, ત્યાં તેને પાછો ચઢતા જોશો ત્યારે શું કરશો?+
૬૩ એ તો પવિત્ર શક્તિ છે, જે જીવન આપે છે.+ શરીર કંઈ કામનું નથી. મેં તમને જે વાતો કહી છે એ પવિત્ર શક્તિથી છે અને એ જીવન આપે છે.+
૬૪ પણ તમારામાંના અમુક એવા છે, જેઓ ભરોસો મૂકતા નથી.” ઈસુને પહેલેથી ખબર હતી કે કોણ શ્રદ્ધા રાખતા નથી અને કોણ તેમને દગો દેશે.+
૬૫ પછી તેમણે કહ્યું: “મેં તમને એટલે જ કહ્યું છે કે જો પિતા મંજૂરી ન આપે, તો કોઈ માણસ મારી પાસે આવી શકતો નથી.”+
૬૬ એટલે તેમના ઘણા શિષ્યો પાછા પોતાના કામધંધે લાગી ગયા.+ તેઓએ તેમના પગલે ચાલવાનું છોડી દીધું.
૬૭ ઈસુએ બાર પ્રેરિતોને* પૂછ્યું: “શું તમે પણ જતા રહેવા ચાહો છો?”
૬૮ સિમોન પિતરે જવાબ આપ્યો: “માલિક, અમે કોની પાસે જઈએ?+ હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.+
૬૯ અમે માનીએ છીએ અને જાણીએ છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર સેવક છો.”+
૭૦ ઈસુએ તેઓને કહ્યું: “શું મેં તમને બાર જણને પસંદ કર્યા નથી?+ તોપણ તમારામાંનો એક શેતાન* જેવો છે.”+
૭૧ તે સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદા વિશે કહેતા હતા. ભલે તે બારમાંનો એક હતો, તોપણ તે તેમને દગો દેવાનો હતો.+
ફૂટનોટ
^ બાઇબલમાં એને ગન્નેસરેત સરોવર અને તિબેરિયાસ સરોવર પણ કહેવામાં આવ્યું છે.
^ વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ મૂળ, “આશરે ૨૫ કે ૩૦ સ્ટેડિયમ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ હિબ્રૂ, રાબ્બી.
^ મૂળ, “ખેંચી ન લાવે.”
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ મૂળ, “તમારામાં જીવન નથી.”
^ અથવા, “નિંદા કરનાર.”