હબાક્કૂક ૧:૧-૧૭
૧ હબાક્કૂક* પ્રબોધકને* દર્શનમાં મળેલો ન્યાયચુકાદો:
૨ હે યહોવા,* ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ ને તમે સાંભળશો નહિ?+
ક્યાં સુધી હું જુલમથી બચવા આજીજી કરીશ ને તમે કંઈ કરશો નહિ?*+
૩ તમે કેમ મને દુષ્ટતા બતાવો છો?
તમે કેમ અત્યાચાર ચલાવી લો છો?
મારી આગળ કેમ લૂંટફાટ અને હિંસા છે?
ચારે બાજુ કેમ લડાઈ અને ઝઘડા છે?
૪ નિયમ કમજોર* થઈ ગયો છે,કોઈને ઇન્સાફ મળતો નથી,દુષ્ટોએ સારા લોકોને ઘેરી લીધા છે,એટલે જ તો ન્યાય ઊંધો વળે છે.+
૫ * “પ્રજાઓ તરફ નજર કરો અને ધ્યાન આપો!
ધારી ધારીને જુઓ અને નવાઈ પામો,કેમ કે તમારા દિવસોમાં એવું કંઈક બનશેજેના વિશે જો તમને કહેવામાં આવે, તોપણ તમે નહિ માનો.+
૬ જુઓ, હું ખાલદીઓને* ઊભા કરું છું,+તેઓ ક્રૂર છે અને ઉતાવળે ચઢી આવે છે.
પારકાઓનાં ઘર પચાવી પાડવા,+તેઓ પૃથ્વીના છેડા સુધી ફરી વળે છે.
૭ તેઓ ભયંકર અને બિહામણા છે.
તેઓ પોતાના નિયમો પોતે ઘડે છે અને લોકો પર ધાક જમાવે છે.*+
૮ તેઓના ઘોડાઓ તો દીપડાઓ કરતાં વધારે તેજ દોડે છે.
તેઓ રાતના વરુઓ કરતાં વધારે ખૂંખાર છે.+
તેઓના ઘોડાઓ દૂરથી ચઢી આવે છે.
તેઓના યુદ્ધના ઘોડાઓ ધસમસતા આવે છે.
તેઓ ગરુડની જેમ પોતાના શિકાર પર તરાપ મારે છે.+
૯ એ લોકો નિર્દય અને ક્રૂર છે.+
જાણે પૂર્વનો ગરમ પવન ફૂંકાતો હોય, તેમ તેઓ એકસાથે ધસી આવે છે,+તેઓ રેતીના કણ જેટલા કેદીઓ ભેગા કરે છે.
૧૦ તેઓ રાજાઓની હાંસી ઉડાવે છે,ઉચ્ચ અધિકારીઓની મજાક ઉડાવે છે.+
તેઓ કોટવાળાં નગરોની મશ્કરી કરે છે,+ધૂળના ઢગલા બનાવીને નગર જીતી લે છે.
૧૧ તેઓ પવનની જેમ આગળ વધે છે અને પસાર થઈ જાય છે,પણ તેઓ દોષિત ઠરશે,+કેમ કે તેઓ પોતાની તાકાતનો જશ પોતાના દેવને આપે છે.”*+
૧૨ હે યહોવા, તમે યુગોના યુગોથી છો.+
હે મારા ઈશ્વર, મારા પવિત્ર ઈશ્વર, તમે અમર છો, તમે કદી મરતા નથી.*+
હે યહોવા, ન્યાયચુકાદો અમલમાં લાવવા તમે તેઓને પસંદ કર્યા છે.
હે મારા ખડક,+ સજા ફટકારવા* તમે તેઓને ઠરાવ્યા છે.+
૧૩ તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે દુષ્ટતા જોઈ શકતા નથી,અને અન્યાય ચલાવી લેતા નથી.+
તો પછી કપટી માણસને તમે કેમ સહન કરી લો છો?+
દુષ્ટ માણસ પોતાના કરતાં નેક* માણસને ગળી જાય ત્યારે તમે કેમ ચૂપ રહો છો?+
૧૪ તમે માણસોને સમુદ્રની માછલી જેવા કેમ બનાવો છો?
તેઓને એવા દરિયાઈ જીવો જેવા કેમ બનાવો છો, જેઓનો કોઈ આગેવાન નથી?
૧૫ એ બધાને તે* પોતાના ગલથી ખેંચી લાવે છે,તેઓને મોટી જાળમાં ફસાવે છેઅને માછીમારની જાળમાં ભેગા કરે છે.
એમ કરીને તે ખુશીથી ઝૂમી ઊઠે છે.+
૧૬ એટલે તે પોતાની મોટી જાળને અર્પણો ચઢાવે છેઅને માછીમારની જાળને બલિદાનો* ચઢાવે છે.
કેમ કે એનાથી તેને પૌષ્ટિક* આહારઅને ઉત્તમ ભોજન મળે છે.
૧૭ શું તે આમ જ પોતાની મોટી જાળ ભરીને ખાલી કરતો રહેશે?*
શું તે આમ જ નિર્દય બનીને પ્રજાઓની કતલ કરતો રહેશે?+
ફૂટનોટ
^ કદાચ એનો અર્થ, “પ્રેમથી ભેટવું.”
^ વધારે માહિતી ક-૪ જુઓ.
^ અથવા, “તમે બચાવશો નહિ?”
^ અથવા, “પાંગળો.”
^ દેખીતું છે, અહીં ઈશ્વર બોલી રહ્યા છે.
^ અથવા, “અને પોતાનો મહિમા ગાય છે.”
^ અથવા કદાચ, “તેઓની તાકાત જ તેઓનો દેવ છે.”
^ અથવા કદાચ, “અમે અમર છીએ, અમે કદી મરીશું નહિ.”
^ અથવા, “સુધારવા.”
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ એટલે કે, ખાલદી દુશ્મન.
^ અથવા, “ધૂપ.”
^ મૂળ, “ચરબીવાળો.”
^ અથવા કદાચ, “પોતાની તલવાર ચલાવતો રહેશે?”