પહેલો શમુએલ ૨૩:૧-૨૯

  • દાઉદ કઈલાહ શહેરને બચાવે છે (૧-૧૨)

  • શાઉલ દાઉદનો પીછો કરે છે (૧૩-૧૫)

  • યોનાથાન દાઉદને હિંમત આપે છે (૧૬-૧૮)

  • દાઉદ શાઉલથી માંડ માંડ છટકી જાય છે (૧૯-૨૯)

૨૩  સમય જતાં, દાઉદને કહેવામાં આવ્યું: “પલિસ્તીઓ કઈલાહ+ સામે લડે છે અને તેઓ ખળીઓમાંથી* અનાજ લૂંટે છે.” ૨  એટલે દાઉદે યહોવાની સલાહ માંગી:+ “શું હું જઈને પલિસ્તીઓને મારી નાખું?” યહોવાએ દાઉદને કહ્યું: “જા, પલિસ્તીઓને મારીને કઈલાહનો બચાવ કર.” ૩  પણ દાઉદના માણસોએ તેને કહ્યું: “અરે, અહીં યહૂદામાં અમને આટલો ડર લાગે છે,+ તો પછી કઈલાહમાં પલિસ્તીઓના સૈન્ય સામે લડવા જઈશું+ તો કેટલો વધારે ડર લાગશે!” ૪  દાઉદે ફરીથી યહોવાની સલાહ માંગી.+ યહોવાએ તેને કહ્યું: “ઊઠ, કઈલાહ જા, કેમ કે હું પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.”+ ૫  દાઉદ પોતાના માણસો સાથે કઈલાહ ગયો અને પલિસ્તીઓ સામે લડ્યો. તેણે પલિસ્તીઓનો મોટો સંહાર કર્યો અને તેઓનાં ઢોરઢાંક લઈ લીધાં. દાઉદે કઈલાહના લોકોનો બચાવ કર્યો.+ ૬  અહીમેલેખનો દીકરો અબ્યાથાર+ નાસીને દાઉદ પાસે કઈલાહ આવ્યો હતો ત્યારે, પોતાની સાથે એફોદ પણ લાવ્યો હતો. ૭  શાઉલને કહેવામાં આવ્યું: “દાઉદ કઈલાહ આવ્યો છે.” શાઉલે કહ્યું: “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે.*+ તે દરવાજાઓ અને ભૂંગળવાળા શહેરમાં આવીને ફસાઈ ગયો છે.” ૮  શાઉલે લડાઈ માટે બધા લોકોને ભેગા કર્યા, જેથી કઈલાહ જઈને દાઉદ અને તેના માણસોને ઘેરી લે. ૯  જ્યારે દાઉદને ખબર પડી કે શાઉલ તેની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે, ત્યારે તેણે અબ્યાથાર યાજકને કહ્યું: “એફોદ અહીં લાવો.”+ ૧૦  દાઉદે કહ્યું: “હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, તમારા સેવકે સાંભળ્યું છે કે મારા લીધે કઈલાહનો વિનાશ કરવા શાઉલ અહીં આવવાની તૈયારી કરે છે.+ ૧૧  શું કઈલાહના આગેવાનો* મને શાઉલના હાથમાં સોંપી દેશે? તમારા સેવકે સાંભળ્યું છે તેમ શું શાઉલ અહીં આવશે? હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, કૃપા કરીને તમારા સેવકને જણાવો.” યહોવાએ જણાવ્યું: “તે અહીં આવશે.” ૧૨  દાઉદે પૂછ્યું: “શું કઈલાહના આગેવાનો મને અને મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” યહોવાએ જવાબ આપ્યો: “તેઓ તને સોંપી દેશે.” ૧૩  તરત જ દાઉદ પોતાના માણસો સાથે કઈલાહથી નાસી છૂટ્યો. તેની સાથે આશરે ૬૦૦ માણસો હતા.+ તેઓ સલામત જગ્યાઓએ નાસતા-ભાગતા રહ્યા. જ્યારે શાઉલને કહેવામાં આવ્યું કે દાઉદ કઈલાહથી નાસી ગયો છે, ત્યારે તેણે તેનો પીછો કરવાનું માંડી વાળ્યું. ૧૪  દાઉદ ઝીફ+ શહેરના વેરાન પ્રદેશના પહાડી વિસ્તારમાં રહેવા લાગ્યો. તે એવી જગ્યાઓમાં રહ્યો, જ્યાં સહેલાઈથી કોઈ પહોંચી ન શકે. શાઉલે તેને શોધવા રાત-દિવસ એક કરી નાખ્યા.+ પણ યહોવાએ દાઉદને તેના હાથમાં સોંપ્યો નહિ. ૧૫  દાઉદ ઝીફના વેરાન પ્રદેશમાં આવેલા હોરેશમાં હતો ત્યારે, તે જાણતો હતો* કે શાઉલ તેનો જીવ લેવા પાછળ પડ્યો છે. ૧૬  શાઉલનો દીકરો યોનાથાન હોરેશમાં દાઉદ પાસે ગયો. તેણે દાઉદને યહોવામાં ભરોસો દૃઢ કરવા મદદ કરી.+ ૧૭  યોનાથાને દાઉદને કહ્યું: “ડરીશ નહિ, મારા પિતા શાઉલ તને આંગળી પણ લગાડી નહિ શકે. તું ઇઝરાયેલનો રાજા બનીશ+ અને હું તારાથી બીજા સ્થાને હોઈશ. એ વાત મારા પિતા શાઉલ પણ જાણે છે.”+ ૧૮  પછી તેઓએ યહોવા આગળ કરાર કર્યો.+ દાઉદ હોરેશમાં રહ્યો અને યોનાથાન પોતાના ઘરે પાછો ગયો. ૧૯  ત્યાર બાદ ઝીફના માણસોએ શાઉલ પાસે ગિબયાહ+ જઈને કહ્યું: “દાઉદ અમારી નજીક હોરેશમાં+ સંતાયો છે.+ એ જગ્યા યશીમોનની*+ દક્ષિણે* હખીલાહના+ ડુંગર પર આવેલી છે, જ્યાં કોઈ સહેલાઈથી પહોંચી ન શકે. ૨૦  હે રાજાજી, જ્યારે તમારી ઇચ્છા થાય ત્યારે પધારો. અમે દાઉદને તમારા હાથમાં સોંપી દઈશું.”+ ૨૧  એ સાંભળીને શાઉલે કહ્યું: “યહોવા તમને આશીર્વાદ આપો, કેમ કે તમે મારા પર મહેરબાની કરી છે. ૨૨  જાઓ અને ખાતરી કરો કે તે ક્યાં સંતાયો છે અને ત્યાં તેને કોણે જોયો છે. મને જાણવા મળ્યું છે કે તે બહુ ચાલાક છે. ૨૩  ચોકસાઈથી તપાસ કરો કે તે કઈ કઈ જગ્યાએ સંતાય છે અને સાબિતી સાથે મારી પાસે પાછા ફરો. હું તમારી સાથે ત્યાં આવીશ. જો તે એ વિસ્તારમાં હશે, તો યહૂદાના હજારો લોકોમાં* પણ હું તેને શોધી કાઢીશ.” ૨૪  એટલે તેઓ ત્યાંથી નીકળીને શાઉલની આગળ આગળ ઝીફ+ ગયા. દાઉદ અને તેના માણસો માઓનના+ વેરાન પ્રદેશમાં હતા, જે યશીમોનની દક્ષિણે અરાબાહમાં+ આવેલો હતો. ૨૫  પછી શાઉલ પોતાના માણસો સાથે દાઉદને શોધવા આવ્યો.+ દાઉદને એની જાણ થતાં જ તે ખડક+ ઊતરીને માઓનના વેરાન પ્રદેશની ગુફાઓમાં જતો રહ્યો. શાઉલે એ સાંભળ્યું ત્યારે, તે દાઉદનો પીછો કરતો કરતો માઓનના વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યો. ૨૬  શાઉલ પહાડની એક બાજુએ હતો અને દાઉદ તથા તેના માણસો પહાડની બીજી બાજુએ. શાઉલથી દૂર નાસી છૂટવા દાઉદ ઉતાવળ કરતો હતો.+ પણ શાઉલ અને તેના માણસો તેઓની પાસે ને પાસે આવી રહ્યા હતા.+ ૨૭  એવામાં એક સંદેશવાહકે શાઉલ પાસે આવીને કહ્યું: “જલદી ચાલો, દેશ પર પલિસ્તીઓ ચઢી આવ્યા છે!” ૨૮  એ સાંભળીને શાઉલે દાઉદનો પીછો કરવાનું પડતું મૂક્યું + અને પલિસ્તીઓ સામે લડવા ગયો. એટલા માટે એ જગ્યાનું નામ જુદા પડવાનો ખડક પડ્યું. ૨૯  દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદી+ તરફ ઉપર ગયો. તે એવી જગ્યાઓએ રહેવા લાગ્યો, જ્યાં સહેલાઈથી કોઈ પહોંચી ન શકે.

ફૂટનોટ

મૂળ, “વેચી દીધો છે.”
અથવા કદાચ, “જમીનદારો.”
અથવા કદાચ, “તેને ડર હતો.”
અથવા કદાચ, “રણની; વેરાન પ્રદેશની.”
મૂળ, “જમણી બાજુએ.”
અથવા, “કુટુંબકબીલામાં.”