અભ્યાસ માટે સૂચન
શીખેલી વાતો યાદ રાખવા ચિત્ર દોરો
શીખેલી વાતો યાદ રાખવી અમુક વાર અઘરું લાગે છે. પણ ઈસુએ શીખવેલી ઘણી વાતો યાદ રાખવી સહેલું છે, કેમ કે તેમણે અનેક ઉદાહરણો અને દાખલા વાપર્યાં હતાં. આપણે કલ્પના કરી શકીએ છીએ કે ઈસુએ શું શીખવ્યું હતું અને એ આપણને યાદ રહી જાય છે. એવી જ રીતે, જો અભ્યાસ કરતી વખતે તમે કલ્પના કરશો કે બનાવ જાણે તમારી નજર સામે બની રહ્યો છે, તો ઘણું યાદ રાખી શકશો. એવું કઈ રીતે કરી શકો? તમે જે શીખો એનું ચિત્ર દોરીને.
જેઓ નવી વાતો શીખ્યા પછી એનું ચિત્ર દોરી લે છે, મોટા ભાગે તેઓને એ યાદ રહી જાય છે. આમ તેઓ ફક્ત શબ્દો જ નહિ, મુખ્ય મુદ્દા પણ સારી રીતે સમજી શકે છે. તેઓનાં ચિત્રો સાદાં હોય છે. જોવા મળ્યું છે કે ચિત્ર દોરવાથી ખાસ કરીને મોટી ઉંમરના લોકોને માહિતી યાદ રાખવા મદદ મળે છે.
હવે અભ્યાસ કરો ત્યારે શીખેલી વાતોનાં ચિત્રો દોરજો. તમને કદાચ નવાઈ લાગશે કે તમને કેટલું બધું યાદ રહ્યું!