યુગલો માટે
૨: ભેગા મળીને કામ કરો
એનો શું અર્થ થાય?
લગ્નજીવનમાં ભેગા મળીને કામ કરવામાં આવે ત્યારે, પતિ-પત્ની મુખ્ય પાયલોટ અને સાથી પાયલોટ જેવા બને છે, જેઓની મંજિલ એક જ હોય છે. ભલે પછી પડકારો આવે, તોપણ દરેક સાથી “હું” બનીને નહિ, પણ “અમે” બનીને વિચારશે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે.”—માથ્થી ૧૯:૬.
‘એક હાથે તાળી ન પડે. પતિ-પત્નીએ સાથે મળીને લગ્નજીવનને સફળ બનાવવું જોઈએ.’—ક્રિસ્ટોફર.
એ કેમ મહત્ત્વનું છે?
હળીમળીને કામ ન કરનાર પતિ-પત્ની મુશ્કેલીઓ આવે ત્યારે, એકબીજાના વાંક-ગુનાઓ શોધ્યા કરશે. તેઓ મુશ્કેલીનું મૂળ શોધવાનું બાજુ પર મૂકી દેશે. આમ, રાઈનો પહાડ બની જશે.
‘ભેગા મળીને કામ કરવું એ લગ્નજીવનનો મુખ્ય આધાર છે. હું અને મારા પતિ સાથે મળીને કામ નહિ કરીએ તો, અમે લગ્નસાથીના બદલે ફક્ત એક છત નીચે રહેનારા બની જઈશું અને એકમતે મહત્ત્વનો નિર્ણય લઈ શકીશું નહિ.’—એલેક્સઝાન્ડ્રા.
તમે શું કરી શકો?
પોતાની તપાસ કરો
-
મારી કમાણીને શું હું ફક્ત “મારી” જ ગણું છું?
-
શાંતિ મેળવવા શું મારે જીવનસાથીથી દૂર જવું પડે છે?
-
મારા જીવનસાથીના સગાંઓથી શું હું દૂર ભાગું છું, પછી ભલેને તેઓ મારા જીવનસાથીના પ્રિય કેમ ન હોય?
તમારા સાથી જોડે વાત કરો
-
લગ્નજીવનનાં કયા પાસાંમાં આપણે સાથે મળીને કામ કરીએ છીએ?
-
કયા પાસાંમાં હજી આપણે સુધારો કરી શકીએ?
-
ભેગા મળીને કામ કરવામાં સુધારો કરી શકીએ માટે આપણે કયા પગલાં ભરી શકીએ?
સૂચનો
-
કલ્પના કરો કે તમે બંને કોઈ મેચ રમી રહ્યા છો, તમે બે અલગ ટીમમાં નહિ પણ એક ટીમમાં રહી શકો માટે કયા વ્યવહારું પગલાં ભરી શકો?
-
‘હું કઈ રીતે જીતી શકું?’ એવું વિચારવાને બદલે વિચારો કે, ‘આપણે કઈ રીતે જીતી શકીએ?’
‘કોણ સાચું છે કે કોણ ખોટું એ ભૂલી જાઓ. પણ સૌથી મહત્ત્વનું છે કે તમારા લગ્નજીવનમાં સુલેહ-શાંતિ જળવાય.’—ઈથન.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.”—ફિલિપીઓ ૨:૩, ૪.