સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘જાણે મારી કોઈ કિંમત જ નહિ!’

‘જાણે મારી કોઈ કિંમત જ નહિ!’

‘જાણે મારી કોઈ કિંમત જ નહિ!’

“સ્પેઇનમાં પ્રાઇમરી સ્કૂલમાં મારું પહેલું જ વર્ષ હતું. મારા ક્લાસનાં બાળકો મને જાતજાતનાં નામથી ખીજવતાં, કેમ કે હું તેઓથી બટકી હતી. લગભગ રોજ હું રડતી રડતી ઘરે જતી.”—જેનીફર, સ્પેઇનમાં રહેતી ફિલિપાઇન્ઝની છોકરી.

“હું બીજી સ્કૂલે ગયો ત્યારે, ગોરા વિદ્યાર્થીઓ મને અપમાનજનક નામોથી બોલાવતા. તેઓ મને ચીડવતા, જેથી હું મારામારી કરું. ખરું કે એ વખતે તો હું ગમ ખાઈ જતો, પણ અંદર ને અંદર દુઃખી થતો. મને થતું કે મારી કોને પડી છે!”—તીમોથી, મૂળ આફ્રિકાના પણ અમેરિકામાં રહેનાર.

“હું સાત વર્ષનો હતો ત્યારે નાઇજીરિયામાં ઇગ્બો અને હૌસા જાતિના લોકો વચ્ચે ઝઘડો થયો. એની મારા પર પણ અસર થઈ. મારા ક્લાસમાં એક છોકરો હૌસા જાતિનો હતો. તે પહેલાં મારો ફ્રેન્ડ હતો, છતાં પણ હું તેની મશ્કરી કરવા લાગ્યો.”—જોન, ઇગ્બો જાતિનો છોકરો.

“અમે બે મિશનરી બહેનો લોકોને બાઇબલનો સંદેશો જણાવતા હતા. એવામાં પાદરીના ઉશ્કેરવાથી બાળકો અમારી પાછળ પાછળ આવીને પથરા મારવા લાગ્યા. પાદરી ચાહતો હતો કે અમે ત્યાંથી ચાલ્યા જઈએ.”—ઓલ્ગા.

શું તમે પણ ભેદભાવનો શિકાર બન્યા છો? કદાચ એ તમારા રંગ, ઉંમર કે ધર્મને લીધે હોય. અથવા તો અમીર, ગરીબ, સ્ત્રી કે પુરુષ હોવાને લીધે પણ ભેદભાવનો ભોગ બન્યા હોય. જેઓ વારંવાર ભેદભાવનો શિકાર બન્યા હોય, તેઓ ફરીથી એવો ખરાબ અનુભવ થશે એવી બીકમાં જીવતા હોય છે. લોકોના ટોળા પાસેથી પસાર થતા, દુકાને જતા, નવી સ્કૂલમાં જતા કે કોઈ પ્રસંગે સમાજના મેળાવડામાં જતા તેઓને ઘણો ડર લાગે.

જેઓ ભેદભાવનો શિકાર બને છે, તેઓને નોકરી મેળવવામાં પણ તકલીફ પડી શકે. અથવા સારી મેડિકલ સારવાર કે સારું શિક્ષણ મેળવવામાં મુશ્કેલી નડી શકે. સમાજમાં માનપાન કે કાયદેસરના ઘણા હક્ક પણ ગુમાવી શકે. એમાંય જો સત્તાના જોરે ભેદભાવ થાય, તો લોકોએ મોટા પાયે સહેવું પડે છે. જેમ કે, આખી કોમ કે જાતિનો સંહાર પણ થાય. એક જાતિના લોકોનો સંહાર કરવાની યોજના ઘડાઈ હોય, એવો બનાવ બાઇબલના એક પુસ્તકમાં પણ જોવા મળે છે. એમાં બતાવ્યું છે કે નફરત અને ભેદભાવને લીધે કેવી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે.—એસ્તેર ૩:૫, ૬.

ભલે કાયદો ભેદભાવના વિરોધમાં હોય, તોપણ લોકો પોતાના દિલમાંથી ભેદભાવ કાઢી શકતા નથી. માનવ હક્કોના યુનાઈટેડ નેશન્સના એક વખતના હાઈ કમિશનર કહે છે: ‘માનવ હક્કોની વિશ્વ જાહેરાતનો સ્વીકાર થયાને સાઠ વર્ષો થયાં. તોપણ, દુનિયામાં કોઈ ભેદભાવ ન હોય અને બધાને સમાન હક્ક મળે, એવા સિદ્ધાંતો દેખાતા નથી.’ એ ચિંતાજનક છે, કેમ કે લોકો જુદા જુદા દેશોમાં રહેવા જાય છે અથવા તો રેફ્યુજી તરીકે બીજા દેશોમાં આશરો લે છે. એના લીધે દુનિયાના ઘણા દેશોમાં મોટા ફેરફારો થયા છે.

તો શું ભેદભાવ વિનાની દુનિયા એક સપનું બનીને રહી જશે? કે પછી નાતજાત અને ઊંચનીચના ભેદભાવ પર જીત મેળવી શકાશે? એ સવાલોની ચર્ચા હવે પછીના લેખોમાં કરવામાં આવી છે. (g09-E 08)