સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભેદભાવ પર પ્રેમથી જીત મેળવો

ભેદભાવ પર પ્રેમથી જીત મેળવો

ભેદભાવ પર પ્રેમથી જીત મેળવો

“ઇતિહાસમાં પહેલી જ વાર નવા પ્રકારનો ધાર્મિક સમાજ દેખાયો. એ એવો કોઈ સમાજ નથી જે રાષ્ટ્રવાદ ફેલાવતો હોય. પણ આ તો એવા લોકોનું ટોળું છે, જેઓ સમાજ, નાતજાત, દેશ, સ્ત્રી કે પુરુષના કોઈ જ ભેદભાવ વગર સંપીને તેઓના ઈશ્વરની ભક્તિ કરે છે.”—ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ (અંગ્રેજી), પૉલ જોન્સન.

રોમન સામ્રાજ્યમાં સાચા ખ્રિસ્તીઓ વધતા ગયા તેમ, લોકોએ તેઓમાં કંઈક અજોડ બાબત જોઈ. તેઓ જુદા જુદા દેશમાંથી આવતા હતા. શાંતિ અને સંપથી ભગવાનની ભક્તિ કરતા હતા. એ ભક્તોની શાંતિ પાછળ એકબીજા માટેનો પ્રેમ હતો. એ પ્રેમ ઈશ્વરે શીખવેલા સિદ્ધાંતો પર આધારિત હતો, ખાલી દેખાડો ન હતો.

ઈસુ ખ્રિસ્તે લોકોને એ સિદ્ધાંતો શીખવ્યા. પોતે પણ એ પ્રમાણે જીવ્યા, છતાં ભેદભાવનો ભોગ બન્યા. તેમણે પણ નફરત અને હિંસા સહન કરી. (૧ પીતર ૨:૨૧-૨૩) શા માટે? એક તો તે ગાલીલ ગામના હતા, જ્યાંના લોકો મોટે ભાગે ખેડૂત અને માછીમાર હતા. એવા લોકો તરફ યરૂશાલેમના યહુદી ધર્મગુરુઓને સખત નફરત હતી. (યોહાન ૭:૪૫-૫૨) બીજું કે ઈસુ એટલા સારા શિક્ષક હતા કે લોકો તેમને ખૂબ ચાહતા અને માન આપતા. ધર્મગુરુઓને ઈસુની અદેખાઈ આવતી અને તેઓ તેમના વિષે અફવા ફેલાવતા. અરે, તેઓએ ઈસુને મારી નાખવાનું કાવતરું પણ ઘડ્યું!—માર્ક ૧૫:૯, ૧૦; યોહાન ૯:૧૬, ૨૨; ૧૧:૪૫-૫૩.

તોપણ, ઈસુએ “ભૂંડાઈને બદલે ભૂંડું” ન કર્યું. (રૂમી ૧૨:૧૭) દાખલા તરીકે, મોટા ભાગના યહુદીઓ ઈસુનો વિરોધ કરતા હતા. છતાં તેઓમાંથી કોઈ ઈસુ પાસે ખરા દિલથી આવતું અને સવાલ પૂછતું ત્યારે, તે પ્રેમથી એનો જવાબ આપતા. (યોહાન ૩:૧-૨૧) અરે તેઓ સાથે બેસીને જમતા પણ ખરા. તે એવા એક યહુદી સાથે બેસીને પણ જમ્યા, જેણે તેમને અમુક હદે ભેદભાવ બતાવ્યો. કઈ રીતે? એ જમાનામાં રિવાજ હતો કે મહેમાન ઘરે આવે ત્યારે, તેમના પગ ધોવા જોઈએ. પણ એ યહુદીએ ઈસુના પગ ન ધોયા. તોપણ ઈસુએ ખોટું ન લગાડ્યું. એને બદલે એ જ સાંજે તેમણે પ્રેમ અને માફી આપવા વિષે સરસ શિખામણ આપી.—લુક ૭:૩૬-૫૦; ૧૧:૩૭.

ઈસુએ ભેદભાવનો શિકાર બનેલા લોકો પર પ્રેમ રાખ્યો

ઈસુએ કહેલી વાર્તાઓમાંની એક જાણીતી વાર્તા ભલા સમરૂની વિષે છે. એ વાર્તામાં એક યહુદી માણસ લૂંટાઈ ગયો હતો અને ખૂબ મારપીટથી મરવા પડ્યો હતો. એવામાં એક સમરૂની માણસ આવીને પોતાના ખર્ચે તેની સંભાળ રાખે છે. (લુક ૧૦:૩૦-૩૭) એ સમરૂની કેમ ભલો કહેવાયો? એ માટે કે યહુદીઓ અને સમરૂનીઓને એકબીજાથી સખત નફરત હતી. અરે યહુદીઓ તો અપમાન કરવા કોઈને “સમરૂની” પણ કહેતા, જેમ ઈસુને કહ્યું. (યોહાન ૮:૪૮) એ બધાનો વિચાર કરતા ઈસુએ ભલા સમરૂનીની વાર્તા કહીને જોરદાર બોધપાઠ શીખવ્યો. તેમણે બતાવ્યું કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના એકબીજાને કેવો પ્રેમ બતાવવો જોઈએ!

ઈસુએ એવા પ્રેમ વિષે શિખામણ જ આપી નહિ, એક કોઢિયા સમરૂનીને સાજો પણ કર્યો. (લુક ૧૭:૧૧-૧૯) તેમણે બીજા સમરૂનીઓને પણ ઈશ્વર વિષે શીખવ્યું. અરે, તેમણે એક સમરૂની સ્ત્રીને પણ જાહેરમાં ઈશ્વર વિષે શીખવ્યું. (યોહાન ૪:૭-૩૦, ૩૯-૪૨) એ સામાન્ય બનાવ ન હતો, કેમ કે એ જમાનામાં ચુસ્ત યહુદી ધર્મગુરુઓ જાહેરમાં કોઈ સ્ત્રી સાથે વાત કરતા નહિ. સગી મા-બહેન સાથે પણ નહિ, તો પછી સમરૂની સ્ત્રી સાથે તો ક્યાંથી વાત કરે!

હવે માનો કે કોઈને ભેદભાવ રાખવાની આદત છે, પણ એ છોડી દેવાનો સખત પ્રયત્ન કરે છે. તેમના વિષે ઈશ્વરને કેવું લાગે છે? બાઇબલ એનો સરસ જવાબ આપે છે, જે જાણીને આપણને રાહત મળે છે.

ઈશ્વર ધીરજ રાખે છે

પહેલી સદીમાં યહુદી પ્રજામાંથી ઘણા ખ્રિસ્તી બન્યા. બીજી પ્રજાઓમાંથી પણ ઘણા લોકો ખ્રિસ્તી બન્યા હતા. યહુદી ખ્રિસ્તીઓ બીજી પ્રજામાંથી આવેલા ખ્રિસ્તીઓ પ્રત્યે ભેદભાવ રાખતા હતા. મંડળમાં ભાગલા પાડે એવી એ મુશ્કેલી વિષે યહોવાહ ઈશ્વરે શું કર્યું? તેમણે એ વિષે ધીરજથી મંડળના ભાઈ-બહેનોને શિક્ષણ આપ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧-૫) એના સારાં પરિણામ આવ્યાં. જેમ કે આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ તેઓમાં ‘સમાજ, નાતજાત કે દેશોના કોઈ જ વાડા ન હતા.’ એટલે “મંડળીઓનો વિશ્વાસ દૃઢ થતો ગયો અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૫.

એમાંથી શું શીખવા મળે છે? એ જ કે આપણે હિંમત ન હારવી જોઈએ. જો આપણે ઈશ્વર પાસે ‘વિશ્વાસથી માગીશું,’ તો તે ઉદારતાથી સમજ અને શક્તિ આપશે. એનાથી આપણે ખરા નિર્ણયો લઈ શકીશું. (યાકૂબ ૧:૫, ૬) આપણે પહેલા જ લેખમાં જેનીફર, તીમોથી, જોન અને ઓલ્ગા વિષે જોઈ ગયા. જેનીફર હાઇસ્કૂલમાં ગઈ ત્યાં સુધીમાં તો તે યહોવાહ વિષે વધારે શીખી અને ઘણી સમજ મેળવી. એટલે તે જાતિભેદ અને પોતાના કદ વિષેની ટીકાઓ એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખતા શીખી ગઈ. થોડા જ સમયમાં એક બીજી છોકરીને ક્લાસમાં બધા ચીડવવા લાગ્યા ત્યારે, જેનીફરે પેલી છોકરીનો પક્ષ લીધો અને તેને સાથ આપ્યો.

જાતિભેદનો શિકાર બનેલા તીમોથીને સ્કૂલના છોકરાઓ સાથે શાંતિથી વર્તવા શામાંથી મદદ મળી? તેણે કહ્યું: “મને એમ થતું કે કોઈ પણ રીતે યહોવાહનું નામ બદનામ થવું ન જોઈએ. હું એ પણ ધ્યાનમાં રાખતો કે આપણે ‘સારાથી ભૂંડાનો પરાજય કરવાનો’ છે. ભૂંડાઈને આપણા પર જીતવા દેવાની નથી.”—રૂમી ૧૨:૨૧.

શરૂઆતમાં આપણે જોન વિષે પણ જોયું હતું, જે સ્કૂલમાં હૌસા જાતિના છોકરા પ્રત્યે ભેદભાવ રાખતો હતો. તેણે પણ ભેદભાવ પર જીત મેળવી. તે યાદ કરે છે કે “સ્કૂલમાં હૌસા જાતિના અમુક સ્ટુડન્ટ મારા મિત્રો બની ગયા. એકની સાથે ભેગા મળીને સ્કૂલમાં એક પ્રોજેક્ટ પણ કર્યો અને મજા આવી. હવે હું લોકોને એક વ્યક્તિ તરીકે જોઉં છું, નહિ કે કઈ નાત કે જાતના છે.”

ઓલ્ગા અને બીજી બહેનનું શું થયું જેઓ મિશનરી સેવા આપતા હતા? તેઓ વિરોધીઓની નફરત અને સતાવણીથી ડરી ગયા નહિ, પણ અડગ રહ્યા. તેઓને ભરોસો હતો કે અમુક વ્યક્તિઓ બાઇબલનો સંદેશો જરૂર સાંભળશે. ઘણાએ સાંભળ્યો. ઓલ્ગા કહે છે: “એ વાતને પચાસેક વર્ષ વીતી ગયાં પછી, એક માણસ મને મળવા આવ્યો અને એક બેગ આપી. એમાં સરસ નાના નાના પથ્થર હતા. એઓ પર ભલાઈ, દયા, પ્રેમ અને શાંતિ જેવા ગુણો કોતરેલા હતા. પછી તેણે મને જણાવ્યું કે તે પેલા છોકરાઓમાંનો એક હતો જેઓ અમારા પર પથરા ફેંકતા હતા. પણ હવે તે મારી જેમ યહોવાહનો ભક્ત છે. સુંદર પથ્થરની બેગ સિવાય, તેણે અને તેની પત્નીએ મને બે ડઝન સફેદ ગુલાબ પણ આપ્યા.”

નફરત અને ભેદભાવ વિનાની દુનિયા!

જલદી જ એવો જમાનો આવશે, જેમાં નફરત અને ભેદભાવ નહિ હોય. આખી પૃથ્વી પર ઈસુ રાજ કરશે. તે કોઈના “દેખાવ પરથી ન્યાય કરશે નહિ.” (યશાયા ૧૧:૧-૫, કોમન લેંગ્વેજ) ઈસુના હાથ નીચેની તેમની પ્રજા પણ એવા જ વાણી-વર્તન બતાવશે. તેઓ ઈશ્વર યહોવાહ અને ઈસુ દ્વારા શિક્ષણ પામેલા હશે.—યશાયાહ ૧૧:૯.

યહોવાહ અને ઈસુ હમણાં લોકોને એવું શિક્ષણ આપી રહ્યા છે. એનાથી યહોવાહના ભક્તો સાવ નવા જ વાતાવરણ, નવી દુનિયાના જીવન માટે તૈયાર થઈ રહ્યા છે. તમે પણ બાઇબલનું શિક્ષણ લઈને એનો લાભ ઉઠાવો. * યહોવાહ ઈશ્વર કોઈને પણ ભેદભાવ બતાવતા નથી. તેમની ઇચ્છા છે કે દરેક વ્યક્તિ “તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.”—૧ તીમોથી ૨:૩, ૪. (g09-E 08)

[ફુટનોટ્‌સ]

^ જો તમે બાઇબલ વિષે શીખવા ચાહતા હો, તો તમારા એરિયામાં આવેલા યહોવાહના સાક્ષીઓના હૉલ પર સંપર્ક કરો. તમને ફાવે એ સમયે અને જગ્યાએ મળવાની તેઓ ગોઠવણ કરશે. અથવા તો, પાન પાંચ પર આપેલા નજીકના સરનામે તેઓની બ્રાંચ ઑફિસને લખો. અથવા યહોવાહના સાક્ષીઓની વેબ સાઇટ www.watchtower.org પર તેઓનો સંપર્ક કરો.

[પાન ૮ પર ચિત્રનું મથાળું]

જલદી જ એવો સમય આવશે, જ્યારે મનુષ્યો નફરત અને ભેદભાવનો શિકાર નહિ બને

[પાન ૯ પર ચિત્રનું મથાળું]

ઈશ્વરે આપેલા સિદ્ધાંતો પ્રમાણે જીવો

▪ ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સારાથી ભૂંડાનો પરાજય કરો.’ (રૂમી ૧૨:૧૭-૨૧) આપણે એમાંથી શું શીખી શકીએ? ભલે કોઈ આપણું ભૂંડું કરે, પણ આપણે તેમનું ભલું જ કરીએ. ઈસુએ પોતાના વિરોધીઓ વિષે કહ્યું કે ‘તેઓએ કોઈ કારણ વિના મારો ધિક્કાર કર્યો.’ તોપણ, ઈસુ જેવા સાથે તેવા થયા નહિ.—યોહાન ૧૫:૨૫.

▪ ‘આપણે એકબીજા પર અદેખાઈ રાખીને બડાઈ ન કરીએ.’ (ગલાતી ૫:૨૬) અદેખાઈ અને ઘમંડ આપણને ઈશ્વરની નજરે જોવા મદદ નહિ કરે. એનાથી તો ઈશ્વર સાથેનો આપણો સંબંધ બગડશે અને મોટા ભાગે નફરત અને ભેદભાવ આપણા મનમાં ઘર કરી જશે.—માર્ક ૭:૨૦-૨૩.

▪ “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) આ સવાલ પર વિચાર કરો કે ‘લોકો મારી સાથે કેવી રીતે વર્તે તો મને ગમે?’ પછી લોકો સાથે એવી જ રીતે વર્તો, પછી ભલે તેમની ઉંમર, રંગ, ભાષા કે સમાજ ગમે એ હોય.

▪ ‘જેમ ખ્રિસ્તે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે એકબીજાનો સ્વીકાર કરો.’ (રોમનો ૧૫:૭, કોમન લેંગ્વેજ) શું તમે હરેક નાતજાતના લોકોને ઓળખવાનો પ્રયત્ન કરો છો? એમાંય ખાસ કરીને તમારા મંડળમાં યહોવાહના બીજા ભક્તોને વધારે સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરો છો?—૨ કોરીંથી ૬:૧૧.

▪ “જો મારા પિતા અને મારી માતા મને તરછોડી દે તો તમે [યહોવાહ] મારો સ્વીકાર કરશો.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૦, IBSI) ભલે કોઈ તમારી સાથે ગમે એ રીતે વર્તે, પણ જ્યાં સુધી તમે યહોવાહને વળગી રહેશો ત્યાં સુધી તે તમને છોડી દેશે નહિ.

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

ભલો સમરૂની લૂંટાઈ ગયેલા યહુદીને મદદ કરે છે