મુખ્ય વિષય | જીવનથી કેમ હારવું ન જોઈએ?
૧ સંજોગો બદલાય છે
“ચોતરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગએલા નથી; ગૂંચવાયા છતાં નિરાશ થએલા નથી.”—૨ કોરીંથી ૪:૮.
અમુક લોકો આત્મહત્યાને “નાની મોટી મુશ્કેલીઓનો કાયમી ઇલાજ ગણે છે.” જોકે, અમુક સંજોગો અઘરા અથવા મુશ્કેલ લાગે. અને એવું લાગે કે એનો હલ લાવવો આપણા હાથ બહાર છે. પણ, એ અઘરા સંજોગો કાયમ માટે નથી, પછી ભલે એ માનવું મુશ્કેલ લાગે. હકીકતમાં, આપણે ધાર્યું પણ ન હોય એ રીતે આપણા લાભમાં સંજોગો બદલાય શકે છે.— “તેઓના સંજોગો બદલાયા” બૉક્સ જુઓ.
સંજોગો ન બદલાય તોપણ, સારું રહેશે કે એક દિવસમાં એક જ મુશ્કેલી થાળે પાડીએ. ઈસુએ કહ્યું: “આવતી કાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દહાડાને માટે તે દહાડાનું દુઃખ બસ છે.”—માથ્થી ૬:૩૪.
પણ, તમારા સંજોગો બદલાય જ નહિ તો? દાખલા તરીકે, તમને કોઈ ગંભીર બીમારી થાય. અથવા કોઈ પરિસ્થિતિ સુધારવી તમારા હાથમાં ન હોય. જેમ કે, છૂટાછેડા થઈ જાય અથવા વહાલી વ્યક્તિનું મરણ થાય.
તોપણ, તમે અમુક ફેરફાર કરી શકો. જેમ કે, સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકો. તમે સંજોગો બદલી નહિ શકો એવું સ્વીકારશો તો, હકીકતને વધુ સારી રીતે સમજી શકશો. (નીતિવચનો ૧૫:૧૫) તેમ જ, જીવન ટૂંકાવી દેવાને જ ઉપાય માનવાને બદલે પરિસ્થિતિને વધુ સારી રીતે સહેવા માટેની અનેક રીતો જોઈ શકશો. એનો શું ફાયદો થશે? સંજોગો કદાચ આપણા કાબૂમાં ન હોય, પણ વિચારો પર કાબૂ રાખી શકીએ.—અયૂબ ૨:૧૦.
યાદ રાખો: તમે એક છલાંગમાં પહાડ ચડી નહિ શકો, પણ નાનાં નાનાં પગલાં ભરીને પહાડની ટોચ સુધી પહોંચી શકશો. પહાડ જેવી લાગતી મોટી મુશ્કેલીઓ વિશે પણ એવું જ છે.
તમે શું કરશો: તમારી પરિસ્થિતિ વિશે કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્ય સાથે વાત કરો. તે તમારી પરિસ્થિતિ વધુ સારી રીતે સમજવા જરૂરી મદદ આપી શકશે.—નીતિવચનો ૧૧:૧૪.