આનો રચનાર કોણ?
મધપૂડો
મધમાખીઓ મધપૂડો બનાવવા માટે જે મીણનો ઉપયોગ કરે છે, એ તેમના પેટના અંદરના ભાગમાં રહેલી ગ્રંથિઓમાંથી નીકળે છે. મધપૂડાની રચના નવાઈ પમાડે એવી છે. શા માટે?
જાણવા જેવું: સદીઓથી ગણિતશાસ્ત્રીઓને લાગતું કે, એકસરખા ત્રિકોણ, ચોરસ કે કોઈ બીજા આકાર કરતાં ષટ્કોણના આકારમાં સૌથી સારા ભાગ પાડી શકાય છે. કારણ કે, એ આકારમાં બહુ ઓછી સામગ્રી વાપરીને વધારે જગ્યાનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ, તેઓ એ બાબતને પૂરેપૂરી રીતે સમજાવી શક્યા નહિ. ષટ્કોણનો આકાર જ સૌથી ઉત્તમ છે, એ વિશે પ્રોફેસર થોમસ સી. હેલ્સે ૧૯૯૯માં ગણિતના પુરાવા આપ્યા. તેમણે એ પણ બતાવ્યું કે, ષટ્કોણ આકારનું બંધારણ હોય તો, ઓછા ટેકાથી જગ્યાના સૌથી સારી રીતે એકસરખા ભાગ પાડી શકાય છે.
મધમાખી ષટ્કોણ આકારના ખાનાનો ઉપયોગ કરીને મળતી જગ્યાનો સૌથી સારો ઉપયોગ કરે છે. તેમ જ, ઓછા મીણથી હલકો પણ મજબૂત મધપૂડો બનાવે છે. ઉપરાંત, એ જગ્યામાં વધારે મધ સંગ્રહ કરે છે. એમાં નવાઈ નથી કે, મધપૂડાને “એક અજોડ રચના” ગણવામાં આવે છે.
આજે વૈજ્ઞાનિકો મધપૂડાની નકલ કરીને મજબૂત અને વધુ જગ્યા મળે એવું બંધારણ ઊભું કરે છે. દાખલા તરીકે, વિમાન બનાવતા એન્જિનિયરો મધપૂડાના આકારની પેનલો (ધાતુના પતરાં) બનાવે છે. એનો ઉપયોગ કરીને તેઓ મજબૂત, વજનમાં હલકા અને ઓછા પેટ્રોલનો ઉપયોગ કરે એવા વિમાનો બનાવે છે.
વિચારવા જેવું: શું મધપૂડાનું ઉત્તમ બંધારણ પોતાની મેળે આવ્યું કે પછી એનો કોઈ રચનાર છે? (g૧૫-E ૦૧)