યહોવાહનો ડર રાખનારી રિબકાહ
યહોવાહનો ડર રાખનારી રિબકાહ
માનો કે તમારે તમારા આંખના રતન જેવા દીકરા માટે કન્યા શોધવાની છે. તમે કેવી છોકરી પસંદ કરશો? શું તમે રૂપાળી કન્યા શોધશો? કે પછી હોશિયાર, પ્રેમાળ અને મહેનતુ છોકરી શોધશો? બીજા કયા ગુણો જોઈને તમે કન્યા પસંદ કરશો?
ઈશ્વરભક્ત ઈબ્રાહીમની સામે એ જ સવાલ આવીને ઊભો હતો. યહોવાહ પરમેશ્વરે ઈબ્રાહીમને વચન આપ્યું હતું કે તેમના પુત્ર ઈસ્હાકના વંશ દ્વારા આશીર્વાદો આવશે. હવે ચાલો આપણે ઈબ્રાહીમના ઘડપણના એ સમયમાં ડોકિયું કરીએ, જ્યારે તેમનો પુત્ર ઈસ્હાક હજુ કુંવારો હતો. (ઉત્પત્તિ ૧૨:૧-૩, ૭; ૧૭:૧૯; ૨૨:૧૭, ૧૮; ૨૪:૧) ઈસ્હાક જે કન્યા સાથે લગ્ન કરશે અને તેઓને જે બાળકો થશે, તેઓ પર પણ યહોવાહના આશીર્વાદનો વરસાદ આવશે. તેથી, ઈબ્રાહીમે પોતે ઈસ્હાક માટે યોગ્ય કન્યાની શોધ શરૂ કરી. ખાસ તો તે યહોવાહની જ ભક્તિ કરતી હોવી જોઈએ. ઈબ્રાહીમ તો કનાન દેશમાં રહેતા હતા, જ્યાં એવી કન્યા ન હતી. તેથી, તેમણે બીજે શોધ કરવા માંડી. આખરે રિબકાહની પસંદગી થઈ. પરંતુ, કઈ રીતે? શું તે દિલથી યહોવાહની ભક્તિ કરતી હતી? રિબકાહ પાસેથી આપણે શું શીખી શકીએ?
યોગ્ય કન્યાની શોધ શરૂ થઈ
ઈબ્રાહીમે પોતાના સૌથી જૂના ચાકર, મોટે ભાગે એલીએઝેરને દૂર મેસોપોટેમિયા મોકલ્યો. જેથી, તે ઈબ્રાહીમનાં સગાં જેઓ યહોવાહના ભક્તો હતા, તેઓમાંથી ઈસ્હાકને સારું કન્યા લઈ આવે. ઈબ્રાહીમને મન આ વાત બહુ જ મહત્ત્વની હતી. એટલે તેમણે એલીએઝેરને સમ ખવડાવ્યા કે તે ભૂલે-ચૂકે પણ ઈસ્હાક માટે કનાની પત્ની ન લાવે. ઈબ્રાહીમે એની ખાતરી કરવા વારેવારે આ વાત તેને જણાવી.—ઉત્પત્તિ ૨૪:૨-૧૦.
ઈબ્રાહીમનાં સગાંના શહેરમાં પહોંચ્યા પછી, એલીએઝેર પોતાના દસ ઊંટોને કૂવા પાસે લાવ્યા. હવે, જરા મનની આંખોથી કલ્પના કરો. સાંજનો સમય હતો. એલીએઝેરે યહોવાહની આગળ કાલાવાલા કર્યા: “જો, હું આ પાણીના ઝરા પાસે ઊભો છું; અને નગરનાં માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે; ત્યારે એમ થવા દેજે કે જે કન્યાને હું કહું, કે કૃપા કરીને તારી ગાગેર ઉતાર કે હું પીઉં; અને તે એમ કહે, પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, તેજ તારા દાસ ઈસ્હાકને સારૂ તારાથી ઠરાવાએલી કન્યા હોય; અને તેથી હું જાણીશ કે તેં મારા ધણી પર દયા કરી છે.”—ત્યાંની સ્ત્રીઓ જાણતી હતી કે એક તરસ્યું ઊંટ લગભગ ૧૦૦ લિટર કે ૨૫ ગેલન જેટલું પાણી પી જઈ શકે. તેથી, દસ ઊંટને પાણી પીવડાવવા તૈયાર થયેલી સ્ત્રીનું તો આવી જ બને! બીજી સ્ત્રીઓ ઊભી ઊભી જોશે, પણ કોઈ મદદ કરવા તૈયાર નહિ થાય, કેમ કે આ જેવું-તેવું કામ ન હતું. આ બધું જોઈને ચોક્કસ ખાતરી થઈ શકે કે એ કન્યામાં જોર છે, ધીરજ છે, ભલી છે. તેમ જ, માનવ અને જાનવર માટે તેના દિલમાં પ્રેમ છે.
પછી શું થયું? “તેના બોલી રહ્યા અગાઉ એમ થયું, કે જુઓ, રિબકાહ, જે ઈબ્રાહીમના ભાઈ નાહોરની સ્ત્રી મિલ્કાહના દીકરા બથૂએલથી થએલી, તે ખાંધ પર ગાગેર લઇને બહાર આવી. હવે તે તરુણી સુંદર કાંતિની કુમારિકા હતી, . . . તે ઝરા પાસે ઊતરીને પોતાની ગાગેર ભરીને ઉપર આવી. અને ચાકર તેને મળવાને દોડ્યો, ને કહ્યું, કે તારી ગાગેરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે. તેણે કહ્યું, કે પીઓ, મારા મુરબ્બી; અને ઉતાવળ કરીને પોતાની ગાગેર હાથ પર ઉતારીને તેને પાયું.”—ઉત્પત્તિ ૨૪:૧૫-૧૮.
શું રિબકાહની પસંદગી થઈ?
રિબકાહ ઈબ્રાહીમની પૌત્રી હતી. તેમ જ, રિબકાહ ફક્ત રૂપાળી જ ન હતી, તેનામાં ઘણા સદ્ગુણો પણ હતા. તે અજાણ્યા સાથે વાત કરતા શરમાઈ નહિ, પણ સાથે સાથે વધારે પડતી વાતોડી પણ ન હતી. એલીએઝેરે પાણી માંગ્યું ત્યારે, રિબકાહે તરત જ આપ્યું. એ તો આંગણે આવેલા મહેમાનનું માન રાખવાનો રિવાજ હતો. આગળ શું થયું?
રિબકાહે કહ્યું કે “પીઓ, મારા મુરબ્બી.” પરંતુ, રિબકાહ એટલેથી અટકી ગઈ નહિ, તેણે કહ્યું: “તારાં ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને સારૂ પાણી ભરીશ.” રિબકાહ માગ્યા કરતાં વધારે કરવા તૈયાર થઈ. “તેણે ઉતાવળ કરીને પોતાની ગાગેર હવાડામાં ખાલી કરી, ને ફરીથી ભરવાને કૂવા ભણી દોડી, ને તેણે તેનાં સર્વ ઊંટોને સારૂ ભર્યું.” તે જાણે વીજળીની ઝડપે પાણી લાવતી હતી. બાઇબલ કહે છે કે “તે માણસે તેને તાકીને જોઈ.”—એલીએઝેરને જ્યારે ખબર પડી કે એ કન્યા તો ઈબ્રાહીમનાં સગાંમાં હતી, ત્યારે તેણે ઘૂંટણે પડીને યહોવાહનો પાડ માન્યો. પછી, એલીએઝેરે રિબકાહને પૂછ્યું કે ‘શું તારા પિતાને ઘરે અમે બધા આજ રાત રહી શકીએ?’ રિબકાહે હા પાડી અને મહેમાનોની ખબર આપવા ઘરે દોડી ગઈ.—ઉત્પત્તિ ૨૪:૨૨-૨૮.
એલીએઝેર પાસેથી બધી વાત સાંભળીને, રિબકાહના ભાઈ લાબાને અને તેના પિતા બથૂએલે જોયું કે આ બધા પાછળ તો યહોવાહનો હાથ હતો. ચોક્કસ, રિબકાહ તો ઈસ્હાક માટે યહોવાહની પસંદગી હતી. તેથી, તેઓએ કહ્યું કે, “તેને લઇને જા, ને યહોવાહના કહ્યા પ્રમાણે તે તારા ધણીના દીકરાની સ્ત્રી થાય.” પણ રિબકાહ વિષે શું, તે ઈસ્હાકની પત્ની બનવા રાજી હતી? તેને પૂછવામાં આવ્યું કે શું તે તરત જ માવતર છોડી સાસરે જવા તૈયાર છે? તેણે મૂળ હેબ્રી ભાષામાં એક જ શબ્દમાં જવાબ આપ્યો, જેનો અર્થ થાય, “હું જઈશ.” રિબકાહને કોઈએ બળજબરી કરી ન હતી. ઈબ્રાહીમે તો એલીએઝેરને એટલે સુધી કહ્યું હતું કે ‘જો તે સ્ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા સમથી મુક્ત થશે.’ પરંતુ, રિબકાહે પણ જોયું કે નક્કી આમાં તો યહોવાહનો હાથ હતો. એટલે તે જરા પણ મોડું કર્યા વિના પોતાનું પિયર છોડીને, જે માણસને કદી મળી ન હતી એની જીવન-સાથી બનવા ગઈ. તેણે બધું જ યહોવાહને ભરોસે છોડી દીધું! સાચે જ, તે ખરી પસંદગીની કન્યા હતી.—ઉત્પત્તિ ૨૪:૨૯-૫૯.
જ્યારે રિબકાહે ઈસ્હાકને જોયો, ત્યારે તરત જ તેણે ઘૂંઘટ કાઢ્યો અને ઈસ્હાકને માન બતાવ્યું. ઈસ્હાકે તેને પોતાની વહાલી પત્ની બનાવી. કોઈ શંકા નથી કે રિબકાહના અનમોલ મોતી જેવા ગુણોને કારણે, તે તેના પ્રેમમાં પડી ગયો.—જોડિયા દીકરા
રિબકાહને લગભગ ૧૯ વર્ષો સુધી કોઈ બાળક થયું નહિ. આખરે તેને જોડિયા બાળક રહ્યા, પણ તેને બહુ જ તકલીફ પડતી હતી. તેના પેટમાં બાળકો લડતાં હતાં, એટલે સુધી કે રિબકાહ મદદ માટે યહોવાહને પોકારી ઊઠી. આપણે પણ જીવનના મુશ્કેલીના સમયમાં એમ જ કરી શકીએ. યહોવાહે રિબકાહનો પોકાર સાંભળ્યો અને તેને દિલાસો આપતા કહ્યું, કે તેના છોકરાઓમાંથી બે પ્રજા થશે, અને “વડો નાનાનો દાસ થશે.”—ઉત્પત્તિ ૨૫:૨૦-૨૬.
જોકે એમ ન હતું કે રિબકાહને એટલા માટે જ નાના દીકરા યાકૂબ પર વધારે વહાલ હતું. ના, કેમ કે બંને છોકરા સાવ અલગ હતા. યાકૂબ શાંત સ્વભાવનો હતો, પણ એસાવ બેપરવા હતો. એટલે જ તો તેણે એક વખતના ભોજનના બદલામાં, યહોવાહનાં વચનોનો પોતાનો વારસો યાકૂબને વેચી દીધો. વળી એસાવે હિત્તી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને યહોવાહના નિયમોનો ભંગ કર્યો અને માબાપની આંતરડી કકળાવી.—ઉત્પત્તિ ૨૫:૨૭-૩૪; ૨૬:૩૪, ૩૫.
યાકૂબના આશીર્વાદ માટે લડવું
બાઇબલ જણાવતું નથી કે એસાવ પોતે યાકૂબનો દાસ થશે, એની ઈસ્હાકને ખબર હતી કે નહિ. છતાં પણ, રિબકાહ અને યાકૂબ જાણતા હતા કે આશીર્વાદ તો યાકૂબને જ મળશે. પછી એક ઘટના બની. ઈસ્હાકે એસાવને કહ્યું કે ‘શિકાર કરીને સરસ ભોજન બનાવી લાવ, જેથી તને આશીર્વાદ આપું.’ જ્યારે રિબકાહને આ વાતની ખબર પડી, ત્યારે તેનું મગજ ઝડપથી કામ કરવા માંડ્યું. હજુ તે જુવાનીમાં હતી, તેવી જ હોશિયાર અને તેજ હતી. રિબકાહ યાકૂબને જલદીથી બકરીનાં બે લવારાં લાવવાની ‘આજ્ઞા આપે છે.’ તે પોતે ઈસ્હાકને ભાવતું ભોજન બનાવવાની હતી. પછી, ઈસ્હાકના આશીર્વાદ મેળવવા યાકૂબે એસાવની નકલ કરવાની હતી. યાકૂબે ઘસીને ના પાડી. તેને ડર લાગ્યો કે તેના પિતાને આ જાણ થશે તો આશીર્વાદ તો બાજુ પર રહ્યા, પણ શાપ આપશે! રિબકાહે કહ્યું કે “મારા દીકરા, તે શાપ મારા પર આવો.” પછી, તેણે સરસ ભોજન બનાવીને, યાકૂબને એસાવની જેવો જ બનાવી પોતાના પતિ ઈસ્હાક પાસે મોકલ્યો.—ઉત્પત્તિ ૨૭:૧-૧૭.
રિબકાહે શા માટે આ બધું કર્યું એ બાઇબલ જણાવતું નથી. ઘણા કહે છે કે રિબકાહે આ સારું કર્યું નહિ. પરંતુ, બાઇબલ તેને દોષ આપતું નથી. તેમ જ, જ્યારે ઈસ્હાકને ખબર પડી કે એસાવને બદલે તેણે યાકૂબને આશીર્વાદ આપ્યા, ત્યારે પણ તેણે રિબકાહને ગુનેગાર ગણી નહિ. એને બદલે, ઈસ્હાકે યાકૂબને હજુ બીજા આશીર્વાદ પણ આપ્યા. (ઉત્પત્તિ ૨૭:૨૯; ૨૮:૩, ૪) રિબકાહ જાણતી હતી કે યહોવાહે પોતાના દીકરાઓ વિષે શું કહ્યું હતું. તેથી, યહોવાહના આશીર્વાદ યાકૂબને જ મળે, એ માટે રિબકાહે બનતું બધું જ કર્યું. તેણે જે કર્યું એ યહોવાહની ઇચ્છા પ્રમાણે જ કર્યું હતું.—રૂમી ૯:૬-૧૩.
યાકૂબને હારાન મોકલી આપ્યો
હવે એસાવને બધી ખબર પડી અને તે ક્રોધથી તપી ઊઠ્યો. એટલે રિબકાહે યાકૂબને નાસી છૂટવા વીનવ્યો, અને એસાવ હાથ ઘસતો રહી ગયો. રિબકાહે પોતાના પતિ ઈસ્હાક પાસે યાકૂબને હારાન મોકલી દેવાની રજા માંગી. પણ એસાવના ક્રોધ વિષે તે ઈસ્હાકને કંઈ જણાવતી નથી. તેણે સમજાવ્યું કે જો યાકૂબ કનાની છોકરીને પરણશે તો? ઈસ્હાક તેની વાત સમજી ગયો. એટલે તેણે યાકૂબને રિબકાહના કુટુંબ પાસે મોકલ્યો, જ્યાંથી યહોવાહનો ડર રાખનારી પત્ની શોધી કાઢે. આપણને ખબર નથી કે રિબકાહે ફરીથી તેના નાના દીકરા યાકૂબને જોયો કે નહિ. પરંતુ, તેણે જે કર્યું એ કારણે ઈસ્રાએલ પર આશીર્વાદ આવ્યા.—ઉત્પત્તિ ૨૭:૪૩-૨૮:૨.
આપણે રિબકાહ વિષે જેટલું જાણીએ છીએ, એનાથી જ આપણે તેની વાહ વાહ કરીએ છીએ. તે ઘણી જ સુંદર હતી, પણ તેની અસલ સુંદરતા તો તેની યહોવાહની ભક્તિ હતી. ઈબ્રાહીમ પણ પોતાના દીકરા માટે એવી જ કન્યા શોધતા હતા. ઈબ્રાહીમે ધારી હતી એના કરતાં વધારે સુંદર કન્યા તેમને મળી. રિબકાહે ડગલે ને પગલે યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા પગલાં લીધાં. તેની ધગશ, સચ્ચાઈ, બધા માટેનો પ્રેમ, આ બધામાંથી, યહોવાહની સેવા કરી રહેલી બહેનો રિબકાહનો દાખલો લઈ શકે. યહોવાહ પોતે પણ આજે બહેનોમાં એવા જ અનમોલ મોતી જેવા ગુણો શોધે છે.