સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારી સલાહ મેળવવા લોકો શું કરે છે?

સારી સલાહ મેળવવા લોકો શું કરે છે?

સારી સલાહ મેળવવા લોકો શું કરે છે?

જો તમને કોઈ મુશ્કેલી આવે તો શું કરશો? કોઈની મદદ કે સલાહ લેશો. આજે એવી મદદ આપવા ઘણાં પુસ્તકો અને વીડિયો બહાર પડે છે. સેમિનાર અને ટીવી પ્રોગ્રામો રાખવામાં આવે છે. એને સેલ્ફ હેલ્પ ટૂલ્સ કહેવાય છે. એવી સલાહ આપનારાઓનું કહેવું છે કે તમે પોતે જ ઘરબેઠા મુશ્કેલીઓ દૂર કરી શકો છો. સાઇકોલૉજિસ્ટ, મેરેજ કાઉન્સેલર કે ગુરુઓની કોઈ સલાહ લેવાની જરૂર નથી. બ્રિટન, લેટિન અમેરિકા, જાપાન અને યુ.એસ.એ. જેવા દેશોમાં એવા બિઝનેસમાં ઘણી કમાણી છે.

આજે લોકોને સેલ્ફ હેલ્પ પુસ્તકો વધારે ગમે છે. ખાસ તો લોકો જીવનમાં આગળ વધવા, લગ્‍નજીવન સુખી રાખવા અને બાળકોને સારી રીતે મોટા કરવા માર્ગદર્શન શોધતા હોય છે. અમુક લોકો ડિપ્રેશન અને દુઃખમાં રાહત પામવા કે ડિવૉર્સના આઘાતમાંથી બહાર આવવા પણ સલાહ લેતા હોય છે. ઘણા લોકો સ્મોકિંગ, દારૂ અને વધારે પડતું ખાવાની આદત છોડવા પણ મદદ લે છે. શું એ બધી સલાહ મેળવવાથી લોકોનું ભલું થયું છે? અમુક વખત થયું છે, પણ મોટે ભાગે એમ થતું નથી. ધર્મશાસ્ત્ર બાઇબલ આ ચેતવણી આપે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.”—નીતિવચનો ૧૪:૧૫.

ખરું કે ફોટોગ્રાફી, એકાઉન્ટ્‌સ કે બીજી ભાષા શીખવા માટે પણ પુસ્તકો હોય છે. જોકે અહીં એવાં પુસ્તકોની વાત થતી નથી. એના બદલે, એવાં પુસ્તકોની વાત કરીએ છીએ, જેમાં લેખક પોતાની ફિલસૂફી પરથી ડિપ્રેશન, બિઝનેસ, મેરેજ કે બાળકો મોટાં કરવાં વિષે સલાહ આપે છે. એવાં પુસ્તકો તરફ ફરતા પહેલાં, વિચારો કે ‘લેખકે એ માહિતી ક્યાંથી લીધી છે.’

મોટા ભાગના લેખકોની માહિતી પુરાવા વિનાની હોય છે. અમુક તો લોકોને ગમતી સલાહ આપે છે. તેઓને ખબર છે કે એનાથી તેઓનાં ઘણાં પુસ્તકો વેચાશે. અરે, એક દેશમાં તો એમાંથી દર વર્ષે આશરે ૮૦ કરોડ ડૉલરની કમાણી થાય છે!

સાચી સલાહ ક્યાંથી મેળવી શકાય?

તમને લાગે કે એવાં પુસ્તકોની સલાહથી તમને ફાયદો થશે. જોકે એનાથી ફાયદો થશે કે કેમ એ ખુદ લેખક પણ જાણતો નથી. મોટે ભાગે એવાં પુસ્તકો કહે છે કે ‘બી પૉઝિટિવ! મનમાંથી ખોટા વિચારો કાઢી નાખો, સારું વિચારો! પૈસાની, લગ્‍નજીવનની કે તંદુરસ્તીની ભલે ગમે એ તકલીફ હોય, એની ચિંતા ના કરો.’ એવી સલાહથી ખરેખર ચિંતા દૂર થતી નથી. એનાથી જીવનમાં આવતી ચડતી-પડતીનો સામનો કરી શકાતો નથી.

ઘણા ડેટિંગ કરતા છોકરા-છોકરીઓ અને પતિ-પત્નીઓ પોતાના સંબંધો ટકાવી રાખવા, આવી સલાહ લેતા હોય છે. એક સ્ત્રી જણાવે છે: “લેટિન અમેરિકામાં પ્રેમ વિષેનાં પુસ્તકો લોકોને ઘણાં જ ગમી ગયેલાં. એણે બતાવ્યું કે કઈ રીતે વ્યક્તિ સંબંધો ટકાવી શકે અને આત્મવિશ્વાસ વધારી શકે.” શું એવા પુસ્તકથી લોકોને ફાયદો થયો? ના, કેમ કે લેખકનું કહેવું છે કે સંબંધોમાં તકરાર ઊભી થાય અને તમે એ હલ કરવા માથાકૂટ કરો તો, તમને જ નુકસાન થાય છે. એટલે પોતાને ખુશ રાખવા, તકરારનો ઉપાય શોધવાને બદલે છૂટા પડી જવું જોઈએ.

ખરું કે એવાં પુસ્તકો એક વિષયમાં કદાચ સારી સલાહ આપે, પણ બીજા વિષયમાં ખોટી સલાહ આપી શકે. એવાં પુસ્તકોની કોઈ કમી જ નથી. એટલા માટે કોઈ પણ સલાહ લેતા પહેલાં વિચારો કે ‘શું એ લેખકના પોતાના જ વિચારો છે કે પછી એના કોઈ પુરાવા છે? શું એ લેખક પૈસા કે નામ કમાવા જ એમ કરે છે? હું ક્યાંથી સારી સલાહ મેળવી શકું?

હવે ધર્મશાસ્ત્ર બાઇબલનો વિચાર કરો, જેની સલાહ હંમેશાં ઉપયોગી રહી છે. બાઇબલ સમજાવે છે કે જીવનમાં કેમ તકલીફો આવે છે અને એનો ઉકેલ બતાવે છે. એ સારા નિર્ણય લેવા પણ માર્ગદર્શન આપે છે. જે સાચું છે એ જ કરવા આપણને ઉત્તેજન આપે છે. એટલે જ લાખો લોકો બાઇબલની આ સલાહ માને છે: ‘તમારાં વલણો અને વિચારોમાં નવી વ્યક્તિ બનો અને નવો સ્વભાવ પહેરી લો.’ (એફેસી ૪:૨૩, ૨૪, IBSI) ચાલો હવે પછીના લેખમાં એ વિષે વધારે જોઈએ. (w09 6/1)