સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું નામ છૂપાવવા કોણ જવાબદાર છે?

ઈશ્વરનું નામ છૂપાવવા કોણ જવાબદાર છે?

ઈશ્વરનું નામ છૂપાવવા કોણ જવાબદાર છે?

એક વ્યક્તિ તમને ઈશ્વરનું નામ જાણવાથી રોકવા ખાસ પ્રયત્ન કરે છે. તે નથી ચાહતી કે તમે યહોવાહ સાથે નાતો બાંધો. એ દુશ્મન કોણ છે? બાઇબલ એનો જવાબ આપે છે: ‘જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે.’ આ દુષ્ટ જગતનો દેવ શેતાન છે. તે તમને અંધારામાં રાખવા ચાહે છે, જેથી તમારા દિલ પર ‘ઈશ્વરની સુવાર્તાનો પ્રકાશ’ ન પડે. શેતાન જરાય ઇચ્છતો નથી કે તમે યહોવાહને નામથી ઓળખો. શેતાન કઈ રીતે લોકોનાં મન આંધળાં કરે છે?—૨ કોરીંથી ૪:૪-૬.

માણસોએ ઊભા કરેલા જૂઠા ધર્મો અને રીતરિવાજો દ્વારા શેતાન લોકોને ઈશ્વરનું નામ જાણવાથી અટકાવે છે. એક દાખલો લઈએ. જૂના જમાનામાં અમુક યહુદીઓએ નક્કી કર્યું હતું કે તેઓ પોતાના રીતરિવાજો પ્રમાણે હવેથી ઈશ્વરપ્રેરિત શાસ્ત્રમાં જણાવેલું ઈશ્વરનું નામ લેશે નહિ. પહેલી સદીમાં તો સભાસ્થાનમાં મોટેથી શાસ્ત્રવચનો વાંચનારાઓને સૂચવવામાં આવ્યું કે શાસ્ત્રમાં ઈશ્વરનું નામ આવે ત્યારે વાંચવું નહિ, પણ એને બદલે ‘આદોનાય’ એટલે “પ્રભુ” વાંચવું. તેઓએ આ રીત અપનાવી હોવાથી લોકો ઈશ્વર સાથેનો મજબૂત નાતો જાળવી શક્યા નહિ. અમુક તો એનાથી મળતા આશીર્વાદો પણ ગુમાવી બેઠા. કેવા દુઃખની વાત! પહેલી સદીમાં થઈ ગયેલા ઈસુ વિષે શું? યહોવાહ નામ વિષે તેમને કેવું લાગ્યું?

ઈસુ અને તેમના શિષ્યોએ ઈશ્વરનું નામ જાહેર કર્યું

ઈસુએ તેમના પિતા યહોવાહને પ્રાર્થનામાં કહ્યું: “મેં તેઓને તારૂં નામ જણાવ્યું છે, અને જણાવીશ.” (યોહાન ૧૭:૨૬) આનાથી આપણે એ નિષ્કર્ષ પર આવીએ છીએ કે ઈસુએ ઘણી વાર યહોવાહ નામ વાપર્યું હતું. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં જ્યાં પણ ઈશ્વરનું નામ હોય ત્યાં એને વાંચતી વખતે, એનો ઉલ્લેખ કરતા કે પછી એને સમજાવતી વખતે ઈસુએ અનેક વાર લોકોને યહોવાહ નામ જણાવ્યું હતું. એમ કરવું તેમના માટે ખૂબ મહત્ત્વનું હતું. અગાઉ થઈ ગયેલા પયગંબરોની જેમ ઈસુએ છૂટથી ઈશ્વરનું નામ લીધું હતું. ઈસુના સેવાકાર્ય દરમિયાન અમુક યહુદીઓએ પોતાના રિવાજ પ્રમાણે ઈશ્વરનું નામ લેવાનું ટાળ્યું હોઈ શકે. પણ ઈસુએ કદી એમ ન કર્યું. તેમણે તો એ સમયના ધર્મગુરુઓને કડક શબ્દોમાં આમ કહેતા ખુલ્લા પાડ્યા: ‘તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞા રદ કરી છે.’—માત્થી ૧૫:૬.

ઈસુના મરણ અને પુનરુત્થાન પછી પણ તેમના શિષ્યો ઈશ્વરનું નામ ફેલાવતા રહ્યા. (આ બૉક્સ જુઓ: “ શું પહેલી સદીના ખ્રિસ્તીઓ ઈશ્વરનું નામ વાપરતા હતા?”) ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસે પહેલું ખ્રિસ્તી મંડળ રચવામાં આવ્યું હતું. ત્યારે યહુદીઓ અને યહુદી ધર્મ અપનાવેલા ટોળાંની આગળ પ્રેરિત પીતરે યોએલની ભવિષ્યવાણી ટાંકતા કહ્યું: ‘જે કોઈ પ્રભુ યહોવાહને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૧; યોએલ ૨:૩૨) પહેલી સદીના ખ્રિસ્તીઓએ જુદા જુદા દેશોમાંથી આવતા લોકોને યહોવાહ વિષે શીખવા મદદ કરી હતી. એટલે જ યરૂશાલેમની એક સભામાં ભેગા થયેલા પ્રેરિતો અને વડીલોને શિષ્ય યાકૂબે કહ્યું: ‘ઈશ્વરે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪.

પરંતુ ઈશ્વરનો દુશ્મન હાથ પર હાથ રાખીને બેસી ન રહ્યો. ઈસુના બધા પ્રેરિતો ગુજરી ગયા એટલે શેતાન તરત જ ઈશ્વરનું શિક્ષણ ભ્રષ્ટ કરવા લાગ્યો. (માત્થી ૧૩:૩૮, ૩૯; ૨ પીતર ૨:૧) દાખલા તરીકે, છેલ્લા પ્રેરિત યોહાન ગુજરી ગયા લગભગ એ જ અરસામાં કહેવાતા ખ્રિસ્તી લેખક જસ્ટીન માર્ટરનો જન્મ થયો હતો. જસ્ટીન પોતાનાં લખાણોમાં ભાર દઈને વારંવાર જણાવવા લાગ્યો કે સઘળી વસ્તુઓ આપનાર “ઈશ્વરનું કોઈ ચોક્કસ નામ નથી.”

અમુક ધર્મભ્રષ્ટ ખ્રિસ્તીઓએ પણ યહોવાહ નામ કાઢી નાખવામાં મોટો ભાગ ભજવ્યો હતો. તેઓએ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોની નકલ ઉતારતી વખતે જ્યાં જ્યાં યહોવાહ નામ લખેલું હતું એ કાઢીને એની જગ્યાએ “પ્રભુ” માટેનો ગ્રીક શબ્દ કીરીઓસ વાપર્યો. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં પણ એવું જ થયું. યહોવાહ નામ મોટેથી વાંચવામાં આવતું ન હોવાથી યહુદી શાસ્ત્રીઓએ નકલ ઉતારતી વખતે ૧૩૦થી વધારે વાર ‘યહોવાહ’ નામની જગ્યાએ ‘આદોનાય’ લખ્યું. ઈસવીસન ૪૦૫માં જેરોમે લૅટિન ભાષામાં બાઇબલનું ભાષાંતર પૂરું કર્યું જે વલ્ગેટ નામથી જાણીતું થયું. એ બાઇબલ ઘણા લોકો વાપરતા હતા. એ બાઇબલમાં પણ ઈશ્વરનું નામ ન હતું.

ઈશ્વરનું નામ ભૂંસી નાંખવા તાજેતરમાં થયેલા પ્રયત્નો

આજે વિદ્વાનો જાણે છે કે ઈશ્વરનું નામ યહોવાહ બાઇબલમાં આશરે ૭,૦૦૦ વાર જોવા મળે છે. પરિણામે ઘણા દેશોમાં વધારે વપરાતા બાઇબલોમાં છૂટથી યહોવાહ નામ વપરાયું છે. જેમ કે, અંગ્રેજીમાં કૅથલિકોનું જેરુસલેમ બાઇબલ. ગુજરાતીમાં પણ જુદા જુદા બાઇબલોમાં ઈશ્વરનું નામ ‘યહોવાહ,’ કે ‘યાહવે’ તરીકે જોવા મળે છે.

દુઃખની વાત છે બાઇબલનો અનુવાદ કરવા ફાળો આપતા ઘણા ચર્ચ ઈશ્વરનું નામ ન વાપરવા વિદ્વાનો પર દબાણ મૂકે છે. દાખલા તરીકે, વેટીકને જૂન ૨૯, ૨૦૦૮ના પત્રમાં કૅથલિક બિશપ્સ કોન્ફરન્સના પ્રમુખોને લખ્યું હતું: ‘અમુક વર્ષોથી જોવા મળ્યું છે કે ધીમે ધીમે ઈસ્રાએલના ઈશ્વરનું મૂળ નામ વાપરવામાં આવી રહ્યું છે.’ એના વિષે ભાર દઈને પત્રમાં આ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું: ‘ઈશ્વરનું નામ વાપરવું કે ઉચ્ચારવું ન જોઈએ. આજની ભાષાઓમાં બાઇબલનો અનુવાદ કરતી વખતે ઈશ્વરના નામને [ચાર હિબ્રૂ મૂળાક્ષરો] બદલે આદોનાય/કીરીઓસ માટે જે શબ્દ હોય એ વાપરવો જોઈએ.’ ગુજરાતીમાં એ માટે ‘પ્રભુ’ શબ્દ છે. વેટીકનના આ પત્રથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેઓ ઈશ્વરનું નામ સાવ જ કાઢી નાખવા માંગે છે.

તેઓની જેમ પ્રોટેસ્ટંટ પંથને પણ યહોવાહ નામ માટે જરાય માન નથી. પ્રોટેસ્ટંટ પંથની મદદથી ૧૯૭૮માં અંગ્રેજી ન્યૂ ઇન્ટરનેશનલ વર્ઝન બહાર પડ્યું ત્યારે એના પ્રવક્તાએ લખ્યું: ‘ઈશ્વરનું મૂળ નામ યહોવાહ છે અને હકીકતમાં અમારે એ વાપરવાની જરૂર હતી. પરંતુ આ બાઇબલનો અનુવાદ કરવામાં અમે ૨૨.૫ લાખ ડૉલર ખરચી નાખ્યાં છે. જો અમે ઈશ્વરનું નામ વાપર્યું હોત તો એ પૈસા ડૂબી ગયા હોત. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૨૩માં “યાહવે મારા પાળક છે” એમ અનુવાદ કર્યો હોત તો કોઈએ એ બાઇબલ ખરીદ્યું ન હોત.’

એ ઉપરાંત ચર્ચે લૅટિન અમેરિકાના લોકોને પણ ઈશ્વરનું નામ જણાવ્યું નથી. યુનાઈટેડ બાઇબલ સોસાયટીઓના અનુવાદને લગતા સલાહકાર સ્ટીવન વૉટે લખ્યું: ‘લૅટિન અમેરિકાના પ્રોટેસ્ટંટ પંથોમાં જિહોવા નામ વાપરવા વિષે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. રસપ્રદ વાત તો એ છે કે મોટા મોટા અને વધી રહેલા નવા પેન્તેકોસ્ટલ ચર્ચને હવે ૧૯૬૦માં બહાર પડેલું રૈના વાલેરા બાઇબલ અનુવાદ જોઈએ છે. પણ તેઓને એમાં જિહોવા નામ જોઈતું નથી. એને બદલે તેઓ શીનયૉર [“પ્રભુ”] રાખવા માગે છે.’ સ્ટીવન વૉટના કહેવા પ્રમાણે, યુનાઈટેડ બાઇબલ સોસાયટીઓએ પહેલાં તો એ માંગનો નકાર કર્યો. પણ પછી તેઓએ ‘જિહોવા નામ વાપર્યા વગર’ સ્પૅનિશ ભાષામાં રૈના વાલેરા બાઇબલ બહાર પાડ્યું.

બાઇબલમાં ઈશ્વરનું નામ “યહોવાહ” કાઢીને એની જગ્યાએ “પ્રભુ” મૂકવાથી વાચક મૂંઝવાઈ જાય છે અને ઈશ્વરને બરાબર ઓળખી શકતો નથી. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ બાઇબલમાં “પ્રભુ” વાંચે ત્યારે તે પારખી નહિ શકે કે એ યહોવાહ વિષે વાત કરે છે કે પછી તેમના દીકરા ઈસુ વિષે. એક દાખલો લઈએ. પ્રેરિત પીતરે પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૪માં (NW) હિબ્રૂ શાસ્ત્રમાંથી દાઊદના શબ્દો ટાંક્યા: “યહોવાહે મારા પ્રભુને [સજીવન થયેલા ઈસુને] કહ્યું: ‘તું મારે જમણે હાથે બેસ.’” જ્યારે કે મોટા ભાગનાં બાઇબલો બધી જ ભાષાઓમાં ગુજરાતી બાઇબલની જેમ જ એ કલમમાં કહે છે: “પ્રભુએ મારા પ્રભુને કહ્યું.” એ ઉપરાંત, ડૅવિડ ક્લીન્સ પોતાના નિબંધ “યાહવેહ અને ખ્રિસ્તી ધર્મના ઈશ્વરનું શિક્ષણ” માં આમ કહે છે: “યાહવેહ વિષે ખ્રિસ્તીઓ અજાણ હોવાથી તેઓ માટે ખ્રિસ્ત જ બધું છે.” તેથી ચર્ચમાં જતા મોટા ભાગના લોકો જાણતા નથી કે ઈસુએ જે ઈશ્વરને પ્રાર્થના કરી એ યહોવાહ હતા.

સાચા ઈશ્વરને ન ઓળખે એ માટે લોકોના મન આંધળાં કરવા શેતાન ખૂબ જ મથ્યો છે. પણ તે સફળ થયો નથી. તમે યહોવાહ ઈશ્વરને ઓળખીને તેમની સાથે અતૂટ નાતો બાંધી શકો છો.

તમે યહોવાહને ખરા અર્થમાં ઓળખી શકો

એ હકીકત છે કે ઈશ્વરનું નામ ભૂંસી નાખવા શેતાને સખત લડત આપી છે. લોકો ઈશ્વરનું નામ ન જાણે એ માટે તેણે જૂઠા રીત-રિવાજો અને ધર્મોનો ચાલાકીથી ઉપયોગ કર્યો છે. તો પછી, જેઓ યહોવાહ વિષે સત્ય જાણવા ચાહે છે, મનુષ્ય માટેનો તેમનો મકસદ જાણવા ચાહે છે તેઓ વિષે શું? શું તેઓ કદી એ જાણી શકશે? હા, યહોવાહ તેઓને એ જણાવીને જ રહેશે. સ્વર્ગમાં કે ધરતી પર એવું કોઈ નથી જે યહોવાહને એમ કરતા રોકી શકે.

યહોવાહના સાક્ષીઓ રાજી-ખુશીથી બાઇબલમાંથી શીખવીને તમને ઈશ્વર સાથે નાતો બાંધવા મદદ કરશે. આમ કરીને સાક્ષીઓ ઈસુની જેમ યહોવાહને કહે છે: “મેં તેઓને તારૂં નામ જણાવ્યું છે.” (યોહાન ૧૭:૨૬) તમે બાઇબલમાંથી શીખતા જશો તેમ જોઈ શકશો કે મનુષ્ય પર આશીર્વાદો લાવવા યહોવાહે કેવી જુદી જુદી ભૂમિકા ભજવી છે. તમે તેમના અનોખા સ્વભાવના અનેક સુંદર પાસાંઓ પણ જોઈ શકશો.

બાઇબલ જમાનામાં અયૂબને ઈશ્વર સાથે ગાઢ નાતો હતો. તમે પણ એવો જ નાતો બાંધી શકો. (અયૂબ ૨૯:૪) તમે બાઇબલમાંથી સત્ય શીખશો તેમ, ફક્ત ઈશ્વરનું નામ જ નહિ પણ તેમને સારી રીતે ઓળખતા થશો. એનાથી તમારી શ્રદ્ધા વધશે કે યહોવાહ પોતાના નામનો જે અર્થ થાય છે (‘મને જે ગમે તે હું બનીશ’) એ પ્રમાણે આપેલાં બધાં જ વચનો નિભાવશે. (નિર્ગમન ૩:૧૪) સાચે જ, યહોવાહ ઈશ્વરે મનુષ્યને જે સુંદર વચનો આપ્યાં છે, એ તે પૂરા કરીને જ રહેશે. (w10-E 07/01)

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

 શું પહેલી સદીના ખ્રિસ્તીઓ ઈશ્વરનું નામ વાપરતા હતા?

પહેલી સદીમાં ઈસુના પ્રેરિતોના સમયે ઘણા દેશોમાં ખ્રિસ્તી મંડળો સ્થપાયાં હતાં. એ મંડળોના સભ્યો નિયમિત ભેગા મળીને શાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેઓ જે શાસ્ત્રો વાપરતા એમાં શું યહોવાહનું નામ જોવા મળતું?

એ જમાનામાં ગ્રીક આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ હતી. એટલે ઘણાં મંડળો ગ્રીકમાં સેપ્ટુઆજીંટ શાસ્ત્ર વાપરતા હતા. એનો અનુવાદ ઈ.સ. પૂર્વે બીજી સદીમાં હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી થયો હતો. અમુક વિદ્વાનો એવો દાવો કરે છે કે મૂળ હિબ્રૂમાંથી ગ્રીક ભાષામાં સેપ્ટુઆજીંટનો અનુવાદ થયો ત્યારે, એમાં ઈશ્વરના નામને બદલે ગ્રીકમાં કીરીઓસ એટલે કે “પ્રભુ” લખવામાં આવ્યું હતું. પરંતુ હકીકત તો કંઈક અલગ જ બતાવે છે.

ઈસવીસન પૂર્વે પહેલી સદીમાં અનુવાદ થયેલા ગ્રીક સેપ્ટુઆજીંટના અમુક ટૂકડા અહીં બતાવવામાં આવ્યા છે. એ ગ્રીક લખાણમાં ચાર હિબ્રૂ અક્ષરોથી લખાયેલું ઈશ્વરનું નામ יהוה (યહવહ) સ્પષ્ટ જોવા મળે છે. ધર્મ અને હિબ્રૂ ભાષાના પ્રોફેસર જ્યોર્જ હાવર્ડે લખ્યું: ‘અમારી પાસે ઈસુના જન્મ પહેલાંના ત્રણ જુદા જુદા ગ્રીક સેપ્ટુઆજીંટ બાઇબલ છે. એમાં મૂળ શાસ્ત્ર પ્રમાણે ચાર હિબ્રૂ અક્ષરોમાં ઈશ્વરનું નામ જોવા મળે છે. એનું એક પણ વાર કીરીઓસ અનુવાદ કરવામાં આવ્યું નથી. સેપ્ટુઆજીંટમાં બધી જ જગ્યાએ મૂળ હિબ્રૂમાં ઈશ્વરનું નામ જાળવી રાખવામાં આવ્યું છે. અમે હવે પૂરી રીતે જોઈ શકીએ છીએ કે નવા કરારના સમયગાળા પહેલાં, એ દરમિયાન અને એના પછી પણ યહુદી રીત પ્રમાણે ગ્રીક લિપિમાં લખાતા શાસ્ત્રમાં ઈશ્વરનું નામ લખાતું હતું.’—બિબ્લિકલ આર્કિઓલોજી રિવ્યુ.

શું ઈસુના પ્રેરિતો અને શિષ્યોએ ઈશ્વરપ્રેરણાથી લખેલા શાસ્ત્રમાં યહોવાહ નામ વાપર્યું હતું? હા. પ્રોફેસર જ્યોર્જ હાવર્ડે નોંધ્યું: ‘નવા કરારમાં જણાવેલાં મંડળો સેપ્ટ્યુઆજિંટ અનુવાદમાંથી વાંચતી વખતે કે ટાંકતી વખતે જ્યારે જ્યારે હિબ્રૂ ભાષામાં ઈશ્વરનું નામ આવે ત્યારે એને જરૂર વાપરતા. નવા કરારના લેખકો સેપ્ટુઆજીંટમાંથી ટાંકતી વખતે ચાર હિબ્રૂ અક્ષરોમાં ઈશ્વરનું નામ આવે ત્યારે એનો ચોક્કસ ઉપયોગ કરતા હતા.’

તેથી, આપણે એ નિર્ણય પર આવી શકીએ કે પહેલી સદીના ખ્રિસ્તીઓ હિબ્રૂ શાસ્ત્રવચનોના ગ્રીક અનુવાદમાં અને ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ વાંચી શકતા હતા.

[પાન ૫ પર ચિત્રનું મથાળું]

મૃત સરોવર પાસે મળી આવેલો યશાયાહના વીંટાનો ટુકડો, એમાં ઈશ્વરનું નામ જોવા મળે છે

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

યહુદી રીત-રિવાજને લીધે કે પછી પૈસા બનાવવા માટે ચર્ચે બાઇબલમાંથી ઈશ્વરનું નામ કાઢી નાખ્યું છે

[પાન ૮ પર ચિત્રનું મથાળું]

ઈશ્વરનું નામ જાહેર કરવામાં ઈસુએ સરસ દાખલો બેસાડ્યો

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

All photos: Société Royale de Papyrologie du Caire