સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મંડળમાં બધાને માન આપવામાં શું તમે પહેલ કરો છો?

મંડળમાં બધાને માન આપવામાં શું તમે પહેલ કરો છો?

મંડળમાં બધાને માન આપવામાં શું તમે પહેલ કરો છો?

“એકબીજા પર ભાઈ જેવો પ્રેમ રાખો. એકબીજાને માન આપવામાં તમે પહેલ કરો.”—રૂમી ૧૨:૧૦, NW.

૧, ૨. (ક) રોમના મંડળને લખેલા પત્રમાં પાઊલે કયું ઉત્તેજન આપ્યું? (ખ) આપણે કયા સવાલો પર વિચાર કરીશું?

 પ્રેરિત પાઊલે રોમના મંડળને લખ્યું કે દરેકે એકબીજા પર પ્રેમ રાખવો જ જોઈએ. આપણે પણ મંડળમાં એવો જ પ્રેમ બતાવીએ, એ ખૂબ મહત્ત્વનું છે. પાઊલે એમ પણ કહ્યું કે આપણો પ્રેમ “ઢોંગ વગરનો” અને ‘ભાઈ પરના પ્રેમ જેવો’ હોવો જોઈએ.—રૂમી ૧૨:૯, ૧૦ક.

એકબીજા માટે ભાઈ જેવા પ્રેમની લાગણી હોવી જ પૂરતી નથી, પણ એ આપણાં વાણી-વર્તનમાં દેખાઈ આવવો જોઈએ. આપણને કોઈના માટે પ્રેમ હોય, પણ એ કદી બતાવીએ જ નહિ તો તેમને કેવી રીતે ખબર પડશે? એ કારણથી પાઊલે એવું ઉત્તેજન પણ આપ્યું કે “એકબીજાને માન આપવામાં તમે પહેલ કરો.” (રૂમી ૧૨:૧૦ખ, NW) માન આપવાનો અર્થ શું થાય? ભાઈ-બહેનોને માન આપવામાં કેમ પહેલ કરવી જોઈએ? કઈ રીતે આપણે એમ કરી શકીએ?

આદર બતાવવો અને માન આપવું

૩. બાઇબલની મૂળ ભાષાઓમાં “માન” શબ્દનો અર્થ શું થાય છે?

મૂળ હેબ્રી ભાષામાં “માન” માટે વપરાયેલા શબ્દનો અર્થ થાય, “ભારે.” જેને માન આપવામાં આવે છે તે વ્યક્તિને મહત્ત્વની ગણવામાં આવે છે. એ જ હેબ્રી શબ્દનું બાઇબલમાં “મહિમા” ભાષાંતર થયું છે, જે બતાવે છે કે તે વ્યક્તિને ઘણું માન આપવામાં આવે છે. (ઉત. ૪૫:૧૩) બાઇબલમાં “માન” માટેના ગ્રીક શબ્દનો અર્થ આદર આપવો અને કીમતી કે અનમોલ ગણવું પણ થાય છે. (લુક ૧૪:૧૦) આપણે જેઓને માન આપીએ છીએ, તેઓ આપણા માટે ખૂબ જ કીમતી અને મૂલ્યવાન છે.

૪, ૫. બીજાઓને માન આપવાનો અર્થ શું થાય? દાખલો આપીને સમજાવો.

બીજાઓને માન આપવાનો અર્થ શું થાય? કોઈ વ્યક્તિ માટે જો આપણા દિલમાં માન હશે, તો એ આપણાં વાણી-વર્તનમાં દેખાઈ આવશે. બીજા શબ્દોમાં, જો ભાઈ-બહેનો માટે આપણને દિલમાં માન હશે, તો તેઓ સાથે માનથી વર્તીશું.

જો મંડળમાં કોઈને ભાઈ-બહેનો માટે દિલથી આદરભાવ ન હોય તો તે કઈ રીતે તેઓને માન આપી શકશે? (૩ યોહા. ૯, ૧૦) જો કોઈ છોડ સારી જમીનમાં રોપાયેલો હોય, તો એ ફૂલેફાલે છે અને લાંબું જીવે છે. એ જ રીતે, જો બીજાઓ માટે આપણને ઊંડો આદરભાવ હશે, તો આપણે તેમને હંમેશાં દિલથી માન બતાવીશું. પણ જો આદરભાવમાં ઢોંગ હશે તો એ વહેલો-મોડો મરી પરવારશે. એટલે નવાઈ નથી કે પાઊલે માન આપવાની વાત કરતા પહેલાં, સાફ શબ્દોમાં કહ્યું કે “તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય.”—રૂમી ૧૨:૯;૧ પીતર ૧:૨૨ વાંચો.

‘ઈશ્વરની પ્રતિમા પ્રમાણે’

સર્જાયેલાને માન આપો

૬, ૭. આપણે બીજાઓને કેમ માન આપવું જોઈએ?

આપણા દિલમાં આદરભાવ હશે તો જ બીજાને માન આપી શકીશું. એટલે ચાલો જોઈએ કે બાઇબલ આપણને કયાં કારણો આપે છે, જેના લીધે ભાઈ-બહેનોને માન આપવું જોઈએ. આપણે એવાં બે કારણોનો વિચાર કરીશું.

ફક્ત મનુષ્યને જ ‘ઈશ્વરની પ્રતિમા પ્રમાણે’ ઉત્પન્‍ન કરવામાં આવ્યો હતો. (યાકૂ. ૩:૯) એટલે જ આપણામાં પ્રેમ, ડહાપણ અને ન્યાય જેવા ઈશ્વરના ગુણો છે. તેમ જ, સર્જનહારે મનુષ્યને બીજું શું આપ્યું છે, એ વિષે દાઊદે કહ્યું: ‘હે યહોવાહ, તેં આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. તેં મનુષ્યને સ્વર્ગદૂતો કરતાં થોડો જ ઊતરતો સર્જ્યો છે, અને તું તેના પર ગૌરવ અને માનનો મુગટ મૂકે છે.’ (ગીત. ૮:૧, ૪, ૫; ૧૦૪:૧) * યહોવાહ મનુષ્યને અમુક પ્રમાણમાં માન, મહિમા અને ગૌરવ આપે છે. એટલે જો આપણે બીજાને માન આપીશું, તો એ જાણે તેના સર્જનહાર યહોવાહને માન આપવા બરાબર છે. હવે જો બધા લોકોને માન આપવા યોગ્ય કારણ હોય, તો આપણા ભાઈ-બહેનોને માન આપવું એનાથી પણ વધારે મહત્ત્વનું છે!યોહા. ૩:૧૬; ગલા. ૬:૧૦.

આપણે એક જ કુટુંબના છીએ

૮, ૯. મંડળમાં એકબીજાને માન આપવા માટે પાઊલે કયું કારણ જણાવ્યું?

એકબીજાને માન આપવાનું બીજું કારણ પાઊલે જણાવ્યું હતું. માન આપવાનું ઉત્તેજન આપતા પહેલાં તેમણે કહ્યું હતું: “એકબીજા પર ભાઈ જેવો પ્રેમ રાખો.” અહીં ગ્રીક ભાષામાં ‘પ્રેમ’ માટે વપરાયેલો શબ્દ એવા પ્રેમની વાત કરે છે, જે સંપીલા કુટુંબમાં હોય. આમ, પાઊલ એના પર ભાર મૂકતા હતા કે જેવો કુટુંબમાં પ્રેમ હોય છે, એવો જ મંડળમાં પણ હોવો જોઈએ. (રૂમી ૧૨:૫) આપણે એ પણ યાદ રાખીએ કે પાઊલે એ શબ્દો અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યા હતા. યહોવાહે તેઓને દત્તક લીધા હોવાથી, તે તેઓના પિતા બને છે. એ રીતે તેઓમાં કુટુંબ જેવો સંબંધ હતો. પાઊલના સમયના અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે આ એક મહત્ત્વનું કારણ હતું કે તેઓ એકબીજા સાથે માનથી વર્તે. આજે પણ અભિષિક્ત ખ્રિસ્તીઓને એ લાગુ પડે છે.

આજે જેઓ “બીજાં ઘેટાં” છે તેઓ વિષે શું? (યોહા. ૧૦:૧૬) ખરું કે યહોવાહે તેઓને દત્તક લીધા નથી. તોપણ, તેઓ યહોવાહના ભક્તોનું એક કુટુંબ હોવાથી, એકબીજાને ભાઈ-બહેન કહી શકે છે. (૧ પીત. ૨:૧૭; ૫:૯) બીજાં ઘેટાંના દરેક જણ પોતાને યહોવાહના ભક્તોના કુટુંબનો એક ભાગ ગણતા હોય તો, એકબીજાને માન આપવા માટે તેઓ પાસે મહત્ત્વનું કારણ છે.—૧ પીતર ૩:૮ વાંચો.

માન આપવું કેમ મહત્ત્વનું છે?

૧૦, ૧૧. આપણે કેમ બીજાઓ પ્રત્યે આદરભાવ રાખીને માન આપવું જોઈએ?

૧૦ આપણે કેમ બીજાઓ પ્રત્યે આદરભાવ રાખીને માન આપવું જોઈએ? એનું કારણ એ છે કે બધા ભાઈ-બહેનોને માન આપીને, આપણે મંડળમાં સારા સંબંધો બાંધવા અને એકતા વધારવા મદદ કરીએ છીએ.

૧૧ આપણે જાણીએ છીએ કે ખાસ તો યહોવાહ સાથેનો પાકો નાતો અને તેમની શક્તિ દ્વારા આપણને મદદ મળે છે. (ગીત. ૩૬:૭; યોહા. ૧૪:૨૬) એટલું જ નહિ, ભાઈ-બહેનો આપણી કદર કરે ત્યારે આપણને વધારે ઉત્તેજન મળે છે. (નીતિ. ૨૫:૧૧) જ્યારે કોઈક આપણને આદર બતાવવા કાંઈક કરે કે કહે, ત્યારે આપણો ઉત્સાહ વધે છે. એ આપણને આનંદથી યહોવાહની ભક્તિ કરવા અને જીવનના માર્ગ પર ચાલવા વધારે ઉત્તેજન આપે છે. કદાચ તમે પોતે પણ એવું અનુભવ્યું હશે.

૧૨. કઈ રીતે આપણે દરેક મંડળમાં પ્રેમ અને સંપ વધારી શકીએ?

૧૨ માનપાન કોને ન ગમે? આપણને બધાને ગમે. યહોવાહ એ જાણે છે. એટલે જ તે આપણને અરજ કરે છે કે “એકબીજાને માન આપવામાં તમે પહેલ કરો.” (રૂમી ૧૨:૧૦, NW; માત્થી ૭:૧૨ વાંચો.) આપણે સર્વ એ સલાહ દિલમાં ઉતારીશું તો, મંડળમાં પ્રેમ અને સંપ વધશે. આપણે દરેક વિચારીએ કે ‘મેં છેલ્લે ક્યારે મંડળના કોઈ ભાઈ કે બહેનને માન બતાવવા કંઈક કહ્યું હતું કે પછી કંઈક કર્યું હતું?’—રૂમી ૧૩:૮.

માન આપવામાં દરેકે પહેલ કરવી જોઈએ

૧૩. (ક) માન આપવામાં કોણે દાખલો બેસાડવો જોઈએ? (ખ) રૂમી ૧:૧માં પાઊલના શબ્દો પરથી શું સમજી શકાય?

૧૩ માન આપવામાં કોણે પહેલ કરવી જોઈએ? પાઊલે હેબ્રી મંડળને લખેલા પત્રમાં વડીલોને ‘આગેવાની’ લેનારા કહ્યા. (હેબ્રી ૧૩:૧૭) ખરું કે વડીલો મંડળની અનેક જવાબદારીઓ ઉપાડે છે. છતાંયે, તેઓએ ભાઈ-બહેનોને અને બીજા વડીલોને પણ માન આપવામાં આગેવાની લેવી જોઈએ. દાખલા તરીકે, મંડળની દેખભાળ રાખવા માટે વડીલોની મિટિંગ થાય છે. એમાં તેઓએ દરેકનાં સૂચનો ધ્યાનથી સાંભળીને, એકબીજાને માન આપવું જોઈએ. તેમ જ, કોઈ પણ નિર્ણય લેતી વખતે બધા વડીલોના વિચારો અને સૂચનો પણ ધ્યાનમાં લેવા જોઈએ. (પ્રે.કૃ. ૧૫:૬-૧૫) જોકે, આપણે યાદ રાખવું જોઈએ કે પાઊલે રોમ મંડળના વડીલોને જ નહિ, આખા મંડળને પત્ર લખ્યો હતો. (રૂમી ૧:૧) તેથી, માન આપવામાં પહેલ કરવાનું ઉત્તેજન ફક્ત વડીલોને જ નહિ, આપણને દરેકને લાગુ પડે છે.

૧૪. (ક) માન આપવું અને માન આપવામાં પહેલ કરવી, એ બંને વચ્ચે શું ફરક છે? દાખલો આપી સમજાવો. (ખ) આપણે કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

૧૪ પાઊલે રોમ મંડળના ભાઈ-બહેનોને ફક્ત એમ ન કહ્યું કે માન બતાવો. પણ તેમણે ઉત્તેજન આપ્યું કે એમ કરવામાં પહેલ કરો, એટલે કે પહેલા પોતે બીજાને માન બતાવો. એનાથી કેવો ફરક પડે છે? ચાલો એક દાખલો લઈએ. શું શિક્ષક ભણેલા વિદ્યાર્થીઓને વાંચતા શીખવાનું ઉત્તેજન આપશે? ના, કેમ કે તેઓને વાંચતા તો આવડે છે. પણ શિક્ષક તેઓને હજુ સારી રીતે વાંચતા શીખવાનું ઉત્તેજન આપશે. એવી જ રીતે, આપણને એકબીજા પર પ્રેમ હોવાથી માન તો આપીએ જ છીએ. એ જ યહોવાહના ભક્તોની ઓળખ છે. (યોહા. ૧૩:૩૫) પરંતુ, જેમ ભણેલા વિદ્યાર્થીઓ વાંચન કળામાં હજુયે સુધારો કરીને પ્રગતિ કરી શકે છે તેમ, આપણે પણ માન બતાવવામાં પહેલ કરીને પ્રગતિ કરી શકીએ છીએ. (૧ થેસ્સા. ૪:૯, ૧૦) આપણે દરેકે બીજાને માન આપવામાં સારો દાખલો બેસાડવો જોઈએ. એટલે વિચારીએ કે ‘શું હું મંડળમાં બધાને માન આપવામાં પહેલ કરું છું?

“નમ્ર” લોકોને માન આપીએ

૧૫, ૧૬. (ક) માન આપવાની વાત આવે ત્યારે કોને ભૂલવા ન જોઈએ? શા માટે? (ખ) મંડળના દરેક ભાઈબહેનોને આપણે દિલથી માન આપીએ છીએ કે નહિ, એ કઈ રીતે પારખી શકાય?

૧૫ મંડળમાં માન આપવાની વાત આવે છે ત્યારે, કોને ભૂલવા ન જોઈએ? બાઇબલ કહે છે કે ‘ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે તેનાં સારાં કાર્યોનો બદલો આપશે.’ (નીતિ. ૧૯:૧૭) બીજાને માન આપવાનો પ્રયત્ન કરીએ તેમ, આ સિદ્ધાંત આપણને કઈ રીતે લાગુ પડે છે?

૧૬ આજે મોટા ભાગે લોકો પોતાના બોસને કે પોતાનાથી ચડિયાતા લોકોને માન આપશે. પણ પોતાનાથી ઊતરતા લોકોને માન આપતા નથી. યહોવાહ એવા નથી. તે કહે છે કે “જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ.” (૧ શમૂ. ૨:૩૦; ગીત. ૧૧૩:૫-૭) જેઓ યહોવાહને માન આપે છે, તેમને ભજે છે તેઓને યહોવાહ પણ માન આપે છે. તે “નમ્ર” લોકોથી કદી મોં ફેરવી લેતા નથી. (યશાયાહ ૫૭:૧૫ વાંચો; ૨ કાળ. ૧૬:૯) આપણે પણ યહોવાહ ઈશ્વરને પગલે ચાલવા માગીએ છીએ. બીજાને માન આપવા આપણે શું કરવાની જરૂર છે? એ માટે આ સવાલનો વિચાર કરો: ‘મંડળમાં જેઓ આગળ પડતા નથી કે જેઓ પાસે કોઈ જવાબદારી નથી, તેઓ સાથે હું કેવી રીતે વર્તું છું?’ (યોહા. ૧૩:૧૪, ૧૫) એના જવાબ પરથી જોઈ શકશો કે તમે કેટલી હદે બીજાને દિલથી માન આપો છો.—ફિલિપી ૨:૩, ૪ વાંચો.

આપણો સમય આપીને માન બતાવીએ

૧૭. મંડળમાં બધાને માન આપવામાં સારો દાખલો બેસાડવાની મુખ્ય રીત કઈ છે? શા માટે?

૧૭ મંડળમાં બધાને માન આપવામાં સારો દાખલો બેસાડવાની મુખ્ય રીત કઈ છે? બીજાઓ માટે સમય કાઢીએ. ખરું કે યહોવાહના ભક્તોને મંડળમાં ઘણાં મહત્ત્વનાં કામો હોવાથી, દરેકનો સમય અનમોલ છે. તેથી, ભાઈ-બહેનો આપણને જ વધારે સમય આપે, એવી આપણે આશા રાખતા નથી. એવી જ રીતે, મંડળમાં જ્યારે બીજાઓ સમજી-વિચારીને આપણો વધારે સમય લેતા નથી, ત્યારે એની કદર કરીએ છીએ.

૧૮. પાન ૨૨ના ચિત્ર પ્રમાણે આપણે કઈ રીતે બતાવી શકીએ કે ભાઈ-બહેનો માટે થોડો સમય કાઢવા તૈયાર છીએ?

૧૮ એ પણ ખરું છે કે જો પોતાનું કામકાજ અટકાવીને ભાઈ-બહેનો માટે થોડો સમય કાઢીશું તો આપણે તેઓને માન બતાવીશું. ખાસ કરીને મંડળના વડીલોના કિસ્સામાં એ વધારે લાગુ પડે છે. કઈ રીતે? આપણું કામ પડતું મૂકીને ભાઈ-બહેનો માટે થોડો સમય કાઢીએ છીએ ત્યારે, તેમને જાણે આમ કહીએ છીએ: ‘મારા કામ કરતાં તમે અનમોલ છો. એટલે તમારી સાથે થોડો સમય પસાર કરવાનું મને વધારે ગમ્યું.’ (માર્ક ૬:૩૦-૩૪) જોકે, એનાથી સાવ ઊંધું પણ બની શકે છે. કઈ રીતે? જો આપણે પોતાના જ કામમાં ડૂબેલા રહીને ભાઈ-બહેનો માટે સમય નહિ કાઢીએ, તો આપણને જાણે તેઓની કોઈ કિંમત નથી. એ સમજી શકીએ કે અમુક વખતે કોઈ મહત્ત્વનું કામ પડતું મૂકી ન શકાય. તેમ છતાં, ભાઈ-બહેનો માટે થોડો સમય કાઢવા આપણે તૈયાર છીએ કે નહિ, એના પરથી દેખાઈ આવશે કે તેઓ માટે આપણા દિલમાં કેટલો આદરભાવ છે.—૧ કોરીં. ૧૦:૨૪.

માન આપવામાં પહેલ કરીએ

૧૯. ભાઈ-બહેનોને માન બતાવવા સમય આપવાની સાથે સાથે બીજું શું કરી શકીએ?

૧૯ ભાઈ-બહેનોને માન આપવાની બીજી રીતો પણ છે. દાખલા તરીકે, આપણો સમય કાઢીને તેઓ સાથે વાત કરીએ ત્યારે તેઓને ધ્યાનથી સાંભળીએ. એ વિષે પણ યહોવાહે સારો દાખલો બેસાડ્યો છે. ઈશ્વરભક્ત દાઊદે કહ્યું કે “ન્યાયીઓ પર યહોવાહની કૃપાદૃષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે.” (ગીત. ૩૪:૧૫) આપણે પણ યહોવાહને પગલે ચાલવા માગીએ છીએ. એટલે આપણે આંખ અને કાન ખુલ્લા રાખીને બધા ભાઈ-બહેનોને, ખાસ કરીને જેઓ મદદ માગે છે તેઓને પૂરેપૂરું ધ્યાન આપીએ. આમ આપણે તેઓને માન બતાવીએ છીએ.

૨૦. બીજાઓને માન આપવાનાં કયાં સૂચનો યાદ રાખીશું?

૨૦ આપણે શીખ્યા કે ભાઈ-બહેનોને કેમ દિલથી માન આપવું જોઈએ. એ ઉપરાંત, આપણે એવી તકો શોધવી જોઈએ જ્યારે બધાને, ખાસ કરીને નમ્ર લોકોને માન આપવામાં સારો દાખલો બેસાડીએ. આ રીતે આપણે મંડળમાં પ્રેમ અને સંપ વધારીશું. ચાલો આપણે બીજાઓને માન આપીએ. એટલું જ નહિ, એમ કરવામાં પહેલ કરીએ. શું તમે પણ હવેથી એમ જ કરશો? (w10-E 10/15)

[ફુટનોટ્‌સ]

^ ગીતશાસ્ત્ર આઠમા અધ્યાયમાં દાઊદે જે લખ્યું, એ ઈસુ ખ્રિસ્ત વિષે ભવિષ્યવાણી પણ હતી.—હેબ્રી ૨:૬-૯.

શું તમને યાદ છે?

• બીજાઓને માન આપવાનો અર્થ શું થાય?

• ભાઈ-બહેનોને માન આપવાનાં કયાં કારણો છે?

• એકબીજાને માન આપવું કેમ મહત્ત્વનું છે?

• ભાઈ-બહેનોને કેવી રીતે માન બતાવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]

ભાઈ-બહેનોને માન આપવા આપણે શું કરી શકીએ?