શું માતા-પિતાએ પોતાના બાળકોને સેક્સ વિષેનું જ્ઞાન આપવું જોઈએ?
વાચકો તરફથી પ્રશ્નો
શું માતા-પિતાએ પોતાના બાળકોને સેક્સ વિષેનું જ્ઞાન આપવું જોઈએ?
▪ બાળકને કોઈ રોગ ન લાગે એ માટે મોટા ભાગના માતા-પિતા તેઓની કાળજી રાખે છે. એવી જ કાળજી બાળકોના સંસ્કાર માટે પણ રાખવી જોઈએ. કઈ રીતે? એક રીત છે તેઓને સેક્સ વિષેનું જ્ઞાન આપીને. (નીતિવચનો ૫:૩-૨૩) આ વિષયમાં તેઓ બાળકોને સારી તાલીમ અને માર્ગદર્શન આપે એ ખૂબ જ જરૂરી છે. એનું કારણ છે કે આજકાલ ટી.વી., ઇંટરનેટ, પુસ્તકો કે પછી હસી-મજાકમાં સેક્સને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે.
ડીયાન લેવીન એક પ્રોફેસર અને લેખિકા પણ છે. તે સમજાવે છે: ‘આજે બાળકો સેક્સ વિષે શીખે છે એ કોઈ સમસ્યા નથી. પણ તેઓ શું શીખે છે, કેટલી ઉંમરે શીખે છે અને કોણ તેઓને શીખવે છે એ સમસ્યા છે. આજનું વેપાર જગત અને લોકોમાં પ્રચલિત જીવનરીત બાળકો પર સેક્સની ખરાબ અસર પાડે છે.’
સમાજના આવા ખોટાં-ખરાબ વિચારોથી બાળકોનું માબાપે રક્ષણ કરવું જોઈએ. (નીતિવચનો ૫:૧; એફેસી ૬:૪) બાળકોને નાનપણથી શરીર વિષે જણાવવું જોઈએ. જેમ કે, કઈ રીતે શરીરની કાળજી રાખવી, ખરાબ લોકોથી કઈ રીતે પોતાનું રક્ષણ કરવું, વગેરે. બાળકોના જાતીય અંગોનો વિકાસ થાય એ પહેલાં તેઓને અમુક જરૂરી માહિતી આપવી જોઈએ. દાખલા તરીકે, દીકરીને જણાવવું જોઈએ કે તેના શરીરમાં કેવા ફેરફારો થશે. શા માટે અને કઈ રીતે માસિક આવે છે, એની સમજ આપવી જોઈએ. એવી જ રીતે, દીકરાને અગાઉથી જણાવવું જોઈએ કે સ્વપ્નદોષ એટલે કે ઊંઘમાં જ વીર્યસ્ત્રાવ થાય એ સામાન્ય છે. નાનપણથી જ બાળકોને પોતાના શરીરના અંગત ભાગોના ખરા નામ શીખવવા જોઈએ. બાળકોને પ્રેમથી આ ત્રણ બાબતો વિષે સમજાવવું જોઈએ: (૧) શરીરના એ અંગત ભાગો ખાસ છે. (૨) એના વિષે ખરાબ રીતે વાત કરવી ન જોઈએ. (૩) શરીરના ગુપ્ત અંગો બીજાઓને અડકવા દેવા ન જોઈએ અને બીજાઓની આગળ ખુલ્લા પાડવા ન જોઈએ. બાળકો મોટા થાય તેમ માતા-પિતાએ યોગ્ય સમયે સમજાવવું જોઈએ કે સ્ત્રીને કેવી રીતે ગર્ભ રહે છે. *
કયા સમયથી માતા-પિતાએ ઉપરની બાબતો બાળકોને શીખવવી જોઈએ? નાનપણથી. આશરે ૧૦ કે તેથી ઓછી ઉંમરથી છોકરીઓને માસિક આવવાનું શરૂ થાય છે. જ્યારે કે છોકરાઓને ૧૧-૧૨ વર્ષની ઉંમરે પહેલી વાર સ્વપ્નદોષ થાય છે. શરીરમાં થઈ રહેલા ફેરફાર વિષે ખરી સમજ ન હોય તો બાળક ખોટી મૂંઝવણમાં મૂકાઈ જશે. એટલે બાળકોને પહેલેથી જ સમજાવવું જોઈએ કે અમુક ઉંમરે શરીરમાં ફેરફારો થાય એ સામાન્ય છે. તેમ જ એ ફેરફારો થાય એ ખોટું નથી. બાળકોને સ્કૂલ કે બીજે ક્યાંકથી મળતું સેક્સ વિષેનું શિક્ષણ ખરી માહિતી આપતું નથી. એટલે બાળકોને બાઇબલના વિચારો સમજાવવાનો આ એક સારો સમય છે. તેમ જ સંસ્કારો પાળવા કેટલા જરૂરી છે એ પણ સમજાવવાની આ એક સારી તક છે.—નીતિવચનો ૬:૨૭-૩૫. (w11-E 11/01)
[ફુટનોટ]
^ નીચે આપેલા સાહિત્યમાંથી માબાપને આ વિષયમાં મદદ મળશે: જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૬ના સજાગ બનો!માં પાન ૧૦-૧૩ ઉપરનો આ લેખ જુઓ, “માસિક વિષે દીકરીને પહેલેથી સમજાવો;” ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક, વોલ્યુમ ટુ, પ્રકરણ ૬; ડિસેમ્બર ૧, ૨૦૧૦ના ચોકીબુરજમાં પાન ૧૨-૧૪ ઉપર આ લેખ જુઓ, “તમારા બાળકોને સેક્સ વિષે ખરી સમજણ આપો.” આ સાહિત્ય યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે.