મુખ્ય વિષય | તમે ઈશ્વરના મિત્ર બની શકો છો
ઈશ્વર સાથે વાત કરો
ગાઢ મિત્રો પોતાના સંજોગો પ્રમાણે એકબીજાને મળીને, ફોન પર, ઈમેઈલ, વિડીયો કે પત્ર દ્વારા વાત કરે છે. એવી જ રીતે, ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા આપણે પણ દરરોજ તેમની સાથે વાત કરવાની જરૂર છે. પરંતુ, એ કઈ રીતે કરી શકીએ?
આપણે ઈશ્વર સાથે પ્રાર્થના દ્વારા વાત કરી શકીએ છીએ. પણ, ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાત કરીએ એ જાણે મિત્રો સાથે મજાક કરતા હોઈએ, એવી ન હોવી જોઈએ. યાદ રાખીએ કે આપણે વિશ્વના માલિક યહોવા સાથે વાત કરી રહ્યા છીએ. તેથી, ઊંડા માન અને આદર સાથે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે માટે અમુક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. ચાલો, એવી ત્રણ જરૂરિયાતો વિશે જોઈએ.
પહેલી જરૂરિયાત એ છે કે, પ્રાર્થના ફક્ત યહોવા ઈશ્વરને કરવી જોઈએ. ઈસુ, કોઈ “સંત” કે પછી કોઈ મૂર્તિને નહિ. (નિર્ગમન ૨૦:૪, ૫) બાઇબલ સ્પષ્ટ જણાવે છે: “દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.” (ફિલિપી ૪:૬) બીજી જરૂરિયાત છે કે, પ્રાર્થના ઈશ્વરના દીકરા ઈસુના નામે જ કરવી જોઈએ. એ વિશે ઈસુએ પોતે જણાવ્યું હતું: ‘મારા વિના પિતા પાસે કોઈ આવી’ શકતું નથી. (યોહાન ૧૪:૬) ત્રીજી જરૂરિયાત છે કે, આપણી પ્રાર્થના ઈશ્વરની ઇચ્છા મુજબ હોવી જોઈએ. બાઇબલ જણાવે છે: ‘જો આપણે તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.’ * —૧ યોહાન ૫:૧૪.
ગાઢ મિત્રો શક્ય હોય ત્યારે એકબીજા સાથે વાત કરે છે
જો એક જ વ્યક્તિ વાત કર્યા કરશે, તો મિત્રો વચ્ચે સંબંધ વધારે નહિ ટકે. પરંતુ જો બંને વાત કરશે, તો તેઓની મિત્રતા વધુ ગાઢ થશે. એવી જ રીતે, આપણે પણ ઈશ્વરના વિચારો જાણવા જોઈએ. તે કંઈ કહે તો તેમનું ધ્યાનથી સાંભળવું જોઈએ. ઈશ્વર આપણી જોડે કઈ રીતે વાત કરે છે, શું તમને ખબર છે?
આજે યહોવા ઈશ્વર આપણી જોડે બાઇબલ દ્વારા “વાત” કરે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) એવું શાના આધારે કહી શકીએ? એ સમજવા ચાલો એક દાખલો લઈએ. માનો કે, તમારો ખાસ મિત્ર તમને પત્ર મોકલે છે. એ વાંચીને તમે બીજાઓને ખુશીથી જણાવશો કે, “મેં મારા મિત્ર સાથે વાત કરી.” ખરું કે, મિત્રએ તમારી જોડે મોઢામોઢ નહિ પણ, પત્ર દ્વારા વાત કરી છે. એ જ રીતે, આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે જાણે યહોવા આપણી સાથે વાત કરે છે. શરૂઆતના લેખમાં આપણે જિના વિશે જોઈ ગયા. તે જણાવે છે: ‘જો હું ચાહતી હોઉં કે ઈશ્વર મને મિત્ર ગણે, તો મારે તેમના “પત્ર” એટલે કે બાઇબલનો દિલથી અભ્યાસ કરવો જોઈએ. દરરોજ બાઇબલ વાંચવાથી ઈશ્વર સાથે મારો સંબંધ ગાઢ બન્યો છે.’ શું તમે પણ દરરોજ બાઇબલ વાંચીને ઈશ્વરને તમારી સાથે વાત કરવા દો છો? એમ કરશો તો, તમે ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધી શકશો. (w૧૪-E ૧૨/૦૧)
^ ફકરો. 5 પ્રાર્થના દ્વારા કઈ રીતે ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધી શકાય એ વિશે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૭ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.